News of Tuesday, 3rd March 2026
જુનાગઢ જામકાના ૨૦ વર્ષના રશીદનું બેઠકના ભાગે અને છાતીમાં ઇજા બાદ શંકાસ્પદ મૃત્યુ
પરિવારજનોએ કહ્યું-કાળવા ચોકમાં બાઇક સ્લીપ થતાં ખિલાસરી લાગી ગઇઃ તબિબને શંકા ઉપજતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું

રાજકોટ તા. ૩: જુનાગઢના જામકા ગામે રહેતાં રશીદ હસમુખભાઇ સોલંકી (ઉ.વ.૨૦) નામના યુવાનને છાતી, બેઠકના ભાગે ઇજા થયેલી હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. જો કે ઇજા શંકાસ્પદ લાગતાં તબિબે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
જાણવા મળ્યા મુજબ જામકા ગામે રહેતો રશીદ સોલંકી ગઇકાલે સવારે ચારેક વાગ્યે કાળવા ચોક બકાલા માર્કેટ પાસેથી બેઠક પાસે, પીઠના ભાગે ઇજાઓ થયેલી હાલતમાં મળતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખસેડાયો હતો. તે સેન્ટીંગ કામ કરતો હોઇ વાહનમાં ખિલાસરી રાખીને જતો હતો ત્યારે વાહન સ્લીપ થતાં ખિલાસરી લાગી જતાં ઇજા થયાનું સગાએ કહ્યું હતું.
જો કે તબિબને ઇજા શંકાસ્પદ લાગતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જુનાગઢ એ-ડિવીઝનનને કરી હતી. મૃત્યુ પામનાર રશીદ બે બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. તે છુટક મજૂરી કરતો હતો. યુવાન આશાસ્પદ દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. જુનાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
