<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

લ્યો હવે ખેતરમાંથી દાડમના ઊભા પાકની ચોરી: કચ્છના સામત્રા પંથકમાં ત્રણ ખેતરમાંથી ૫ ટન દાડમ ચોરાયા

તસ્કરોનો તરખાટ, હવે ખેતરમાં ઉગેલો પાક પણ સલામત નથી, એક ખેતરમાંથી પાક સાથે સીસી ટીવી પણ ચોરી ગયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ :  કચ્છમાં તરખાટ મચાવતા તસ્કરોએ એક સાથે ત્રણ ત્રણ ખેતરમાં ઉભેલા દાડમના પાકની ચોરી કરી તરખાટ મચાવ્યો છે. સતત મહેનત અને જહેમતથી તૈયાર થયેલો ખેડૂતોનો પાક ચોરી જવાના બનાવે ચકચાર સાથે કાયદાના રક્ષકો સામે પડકાર સર્જ્યો છે. પાક ચોરીનો આ બનાવ ભુજ તાલુકાના માનકુવા, સામત્રા અને નાગિયારી ગામના વિસ્તારમાં બન્યો છે. માનકુવા ગામની સીમમાં ત્રાટકેલા તસ્કરો ખેડૂત લાલજી કાનજી વેલાણીની વાડીમાંથી ગત ૧૪ ફેબ્રુ. ના દોઢ ટન જેટલો દાડમનો ઉભો પાક અને સાથે સીસી ટીવી કેમેરા ચોરી ગયા હતા. ત્યાર બાદ ૨૬ ફેબ્રુ.ના સામત્રા ગામની સીમમાં હરીશ નારાણ વરસાણીની વાડીમાંથી ૨ ટન દાડમનો પાક ચોરાઈ ગયો હતો. ત્રીજા બનાવમાં ૧ લી માર્ચે નાગિયારી ગામની સીમમાં અશ્વિન ચંદુલાલ વેલાણીની વાડીમાંથી સવા ટન જેટલા દાડમનો પાક ચોરાયો હતો. ૧૦ થી ૧૫ કિમીના વિસ્તારમાં એક સાથે ત્રણ ત્રણ વાડીઓમાંથી અંદાજે ૫ ટન જેટલા દાડમની ચોરીના બનાવે ખેડૂતોમાં ચિંતા સર્જી છે. મંદિર, ઘરફોડ, ઓફિસ અને દુકાનોમાં બનતા ચોરીના બનાવો પછી હવે ખેતર વાડીમાં રહેલો ઉભો પાક પણ સલામત નથી.

(2:21 PM IST)