<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી મોટો રંગોત્સવ વડતાલધામમાં ૨૧૦ મા દિવ્ય રંગોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી : આચાર્ય મહારાજ તથા સંતોએ હરિભક્તોને કેસુડાના રંગથી ભીજવ્યા 50000 કરતાં વધુ ભક્તોએ લાભ લીધો

વડતાલ મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી સહિતના સંતોની ઉપસ્થિતિ : સંસ્કૃત પાઠશાળાના ભુદેવો સંતો દ્વારા સત્સંગીજીવન પ્રથમ અધ્યાયના કંઠસ્થ શ્લોકો ૧ થી ૧૦૦નું ગાન કર્યું : પાઠશાળામાં જુદાજુદા વિષયોમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ સંતો, ભુદેવો, પાર્ષદોને સર્ટીફીકેટ એનાયત

રાજકોટ તા.૪ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલ ધામમા  ફાગણી પુનમના રોજ ૨૧૦મા દિવ્ય રંગોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધૂળેટી પર્વનો ખેડા જિલ્લાનો આ સૌથી મોટો રંગોત્સવ હતો. 

વડતાલ મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું. કે ૫૦ હજાર ચોરસ ફૂટના સુશોભિત વિશાળ રંગમંડપમાં ભાઇઓ તથા બેનોના બે ભાગ પાડવામાં આવ્યા હતા. રંગમંડપમાં ભાવિકોને બેસવા માટે ખુરશીઓ સહિતની સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. બુધેજ મંદિરના કોઠારી શાસ્ત્રી નારાયણચરણ દાસજી સ્વામીએ રંગોત્સવનો લાભ લેવા પધારેલ હરિભક્તોને રંગોત્સવની કથાનું રસપાન કરાવ્યું હતુ.ં

શ્રી લક્ષ્મીનારાયણ દેવ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.આચાર્ય શ્રી ૧૦૦૮ રાકેશપ્રસાદજી મહારાજે આર્શીવાદ પાઠવ્યા હતા. બાદમાં સંસ્કૃત પાઠશાળાના ભુદેવો સંતો દ્વારા સત્સંગીજીવન પ્રથમ અધ્યાયના કંઠસ્થ શ્લોકો ૧ થી ૧૦૦નું ગાન કર્યું હતું. ત્યારબાદ  પાઠશાળામાં જુદાજુદા વિષયોમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ સંતો, ભુદેવો, પાર્ષદોને સર્ટીફીકેટ એનાયત કર્યા હતા. પુષ્પદોલોત્સવના યજમાન પૂ. ડો. શા. સંત વલ્લભદાસજી સ્વામી (ચેરમેન શ્રી વડતાલ ધામ)ની પ્રેરણાથી  કિશોરભાઇ નાથાભાઇ ભાદાણી, કેનીલ કિશોરભાઇ ભાદાણીએ પુજ્ય આચાર્ય મહારાજશ્રી તથા સંતોનું પુજન કર્યું હતું. આ મહોત્સવમાં ચેરમેન સંતસ્વામી, કોઠારી દેવપ્રકાશસ્વામી, સત્સંગમહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશદાસજીસ્વામી, ગોવિંદસ્વામી, બ્રહ્મપ્રકાશસ્વામી, પી.પી.સ્વામી, મુની સ્વામી, શ્રીજી સ્વામી, વેદાંતસ્વામી, હરિઓમ સ્વામી,સંતબાલસ્વામી, વિષ્ણુપ્રકાશસ્વામી(અથાણાવાળા), શ્રી વલ્લભસ્વામી બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી, પાર્ષદ ઘનશ્યામ ભગત સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા.

સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશદાસજીસ્વામીએ વડતાલ જ્ઞાનબાગમાં ભગવાન શ્રીહરિએ ૨૦૦ વર્ષ પૂર્વે ઉજવેલ રંગોત્સવની ઝાંખી કરાવી હતી. નિષ્કળાનંદસ્વામીએ રંગ માટે બે હોજ તૈયાર કરાવ્યા હતા. અને ૧૨ બારણાના હિંડોળે ઝૂલી સોટી વડે ભ્તોના હાર ગુલાલ શ્રીજીએ સ્વીકાર્યા હતા. બાદમાં પ.પુ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજીમહારાજ શ્વેત વસ્ત્રોને પાઘ ધારણ કરી સ્ટેજ પર પધાર્યા હતા. જ્યાં પ્રથમ તેઓએ સંતો અ્ને યજમાન પરિવાર સાથે શ્રીજીનું પુજન કર્યુ હતું. અને આરતી ઉતારી હતી.

આચાર્ય મહારાજશ્રી અને સંતોએ પુષ્પપાંદડીથી હરિભક્તોના વધામણા કર્યા હતા. અને તૈયાર રહેલ મંચ ઉપરથી  મહારાજશ્રી તથા સંતોએ ચોકલેટની ઉછામણી કરી હતી. તેઓએ પ્રસાદીના કેસુડાના રંગ છાંટણા કર્યા હતા. અને વચ્ચે વચ્ચે ૮૦-૧૦૦ ફુટના વિવિધ રંગના વિસ્ફોટથી સમગ્ર આકાશ રંગમય બની ગયું હતુ. પૂ.રાકેશપ્રસાદજી મહારાજ, સંતસ્વામી, નૌત્તમસ્વામી, ગોવિંદસ્વામી, શ્યામસ્વામીએ હરિભક્તો પર રંગ છાંટી ભાવથી ભીજવ્યા હતા. રંગઉત્સવમાં યુવાધન સંગીતને સથવારે મનમુકીને ઝુમ્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયમાં જુદાજુદા ૩૧ સ્થળોએ રંગોત્સવ માનાવ્યો હતો. જેમા વડતાલ જ્ઞાનબાગમાં ઉજવાયેલ રંગોત્સવ સંપ્રદાયનો શિરમોર રંગોત્સવ બની ગયો છે. સમગ્ર રંગોત્સવનું સંચાલન પૂ શ્યામ વલ્લભ સ્વામી એ કર્યું હતું

 

 

રંગોત્સવની સાથે સાથે...

 

 

10000 ફુગા

1500 કિલો ગુલાબ ના ફૂલ

1500 કિલો કેશુડાના ફૂલ 

1500 કિલો ગલગોટીયાના ફૂલ 

500 કિલો વિવિધ ફૂલ 

કુલ પાંચ હજાર કિલો ફૂલ

500 કિલો ચોકલેટ ની વર્ષા 

50000 કરતાં વધુ ભક્તોએ લાભ લીધો 

50 ઉપરાંત સંતો ઉપસ્થિત રહ્યા 

ભગવાનને કેસુડાના વાઘા 

સિંહાસનોમાં કેશુડાના શણગાર 

ખજૂર ધાણી ચણા નો અનકોટ

સિંગ 100 કિલો

ચણા 100 કિલો

ખજુર 200 કિલો

ધણી 100 કિલો

હારડા 100 કિલો

(9:46 AM IST)