News of Thursday, 5th March 2026
શનીવારથી બગસરામાં પૂ.મોરારીબાપૂના વ્યાસાસને 'માનસ મેઘાણી' શ્રી રામકથા
સાડા ૪ દાયકા પછી બગસરામાં પૂ.મોરારીબાપુની શ્રીરામકથા યોજાશેઃ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૫: શનીવારથી પૂ.મોરારીબાપુના કુલ કથા ક્રમની ૯૭૩મી રામકથા ૭ માર્ચથી બગસરા ખાતે આરંભાશે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સાહિત્યકાર - સંશોધક ઝવેરચંદ મેઘાણીની પુણ્ય સ્મૃતિ રૂપે, એમના પૈતૃક વતન બગસરામાં કથાનું આયોજન ગોઠવાયું છે.
મેઘાણીભાઇનું દેહાવસાન ૯ માર્ચ, ૧૯૪૬માં બોટાદ ખાતે થયેલું. એ રીતે એમની એંસીમી પુણ્ય તિથિના અનુસંધાને, સમગ્ર ગુજરાતનું સાહિત્ય વિશ્વ, ''માનસ મેઘાણી'' રામકથાનાં માધ્યમથી એક સમર્થ સાક્ષરનું પુણ્ય સ્મરણ કરશે.
ઉલ્લેખનીય છે કે ૪ જાન્યુઆરી ૨૦૨૦ માં ગુજરાતના મહા કવિ શ્રી ઉમાશંકર જોશીના સ્મરણમાં તેમના વતન બામણા(હિંમતનગર) ખાતે પૂજ્ય બાપુએ ''માનસ ઉમાશંકર'' શિર્ષક અંતર્ગત કથા ગાન કરેલું. એ વખતે બાપુએ વ્યાસપીઠ પરથી મેઘાણીભાઇને અંજલિ આપવા માટે ''માનસ મેઘાણી'' કથા કરવાનો મનોરથ વ્યકત કરેલો.
કથા ગાન માટે સ્થળ પસંદગી માટે ચોટીલા, બોટાદ, રાણપુર, પાળીયાદ, અમરેલી વગેરે નામો વિચારાધિન હતા. પરંતુ આખરે મેઘાણીભાઇના માદરે વતન બગસરા પર વ્યાસપીઠે પસંદગી ઉતારી અને એ રીતે યોગ, લગન, ગ્રહ, વાર અને તિથિ અનુકૂળ થતાં પૂજ્ય બાપુના શ્રી મુખથી માનસ કથા સાથે મેઘાણી કથા આરંભાઇ રહી છે. બગસરામાં પૂજ્ય મોરારીબાપુની અગાઉ એક કથા થઇ ચૂકી છે.
કુલ કથા ક્રમની એ ૨૧૭ મી કથા હતી, જે ૬-૫-૧૯૮૦ માં યોજાયેલી. બગસરાની આગામી કથા ૭-૩-૨૦૨૬ થી આરંભાશે. બરાબર ૪૫ વર્ષ અને દસ મહિના પછી (૪૬ વર્ષ) પછી બાપુની વ્યાસપીઠ બગસરા પધારી રહી છે.
મૂળ બગસરાના જૈન વણિક પરિવારમાં,૨૮ ઓગસ્ટ ૧૮૯૬માં ચોટીલા ખાતે જન્મેલા ઝવેરચંદના ફોજદાર પિતાની બદલી થતી રહેતી હોવાથી તેમનું પ્રાથમિક શિક્ષણ ચોટીલા, દાઠા, પાળીયાદ, બગસરામાં થયું. અમરેલી તેમ જ રાજકોટમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરીને ભાવનગરની શામળદાસ કોલેજમાં તેમણે પ્રવેશ મેળવ્યો. અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ૧૯૧૬માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. થોડો સમય ભાવનગરની હાઇસ્કૂલમાં ખંડ સમયના શિક્ષક તરીકે કામ કરી, ૧૯૧૭માં કોલકાતાની એલ્યુમિનિયમ કંપનીમાં ગોઠવાયા. દરમિયાન એક વાર ઇંગ્લેન્ડ પણ જવાનું બન્યું. પરંતુ માતૃભૂમિ પરના અપાર આકર્ષણ અને જન્મભૂમિ તરફના પ્રેમથી ખેંચાઇને ૧૯૨૦ માં બગસરા પાછા ફર્યા.
રાણપુરના ''સૌરાષ્ટ્ર'' અખબારમાં કોલમ લખવાનું શરૂ કર્યું અને ૧૯૩૫ સુધી ''સૌરાષ્ટ્ર'' ના તંત્રી રહ્યા. આ સમય દરમિયાન સૌ પ્રથમ પુસ્તક ''કુરબાનીની કથાઓ'' પ્રકાશિત થયું. ત્યારબાદ ''સૌરાષ્ટ્રની રસધાર'' ના પાંચ ભાગનું સંકલન કર્યું અને બંગાળી ભાષાની કૃતિઓનું ભાષાંતર કર્યું. ૧૯૨૬ માં ''વેણીનાં ફૂલ'' કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો. ૧૯૨૮ માં લોક સાહિત્યમાં સંશોધન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક થી વિભુષિત થયા.
આઝાદીના જંગમાં ''સિંધુડો'' એ પ્રાણ પૂર્યા, પરિણામે બે વર્ષ જેલવાસ વેઠ્યો. ૧૯૩૦ માં ''ઝેરનો કટોરો'' કાવ્યે, ગાંધીજી દ્વારા એમને ''રાષ્ટ્રીય શાયર'' નું બિરુદ અપાવ્યું.
૧૯૩૪માં મુંબઇમાં સ્થાયી થયા. ''જન્મભૂમિ'' માં ''કલમ અને કિતાબ'' કોલમ તેમ જ નવલકથાઓ લખવાની શરુઆત કરી. ૧૯૩૬થી ૧૯૪૫ સુધી ''ફૂલછાબ''ના સંપાદક તંત્રી તરીકે ભુમિકા નિભાવી અને પત્રકારત્વના ક્ષેત્રે નવી ભાત પાડી.
૧૯૪૬માં રવિશંકર મહારાજના જીવન પર આધારિત ''માણસાઈના દીવા'' ને મહિડા પારિતોષિક પ્રાપ્ત થયું. એ જ વર્ષે તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ ના સાહિત્ય વિભાગના વડા તરીકે નીમાયા.
૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઘણી નાની કહી શકાય એ ઉંમરે, હ્ય્દય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું. એ પહેલાં એમણે ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવન ચરિત્ર રૂપે આપણને સાહિત્યનો વૈવિધ્ય પૂર્ણ રસથાળ પીરસ્યો છે.તેમણે તેમના સાહિત્ય મા લખેલી કથાઓ મા ૬૦% કરતા વધારે કાઠી ક્ષત્રીય સમાજ ની કથાઓ લખી છે. મેઘાણી, અને હડાળા દરબારશ્રી વાજસુર વાળા મીત્રો હતા ને કાઠી સમાજ ની વાર્તાઓ વાજસુર વાળા એ મેઘાણી સમક્ષ મુકેલી. ને ગામે ગામ ફરી ને ઈતિહાસનુ સંશોધન કરી ને મેઘાણી એ એ વાર્તાઓ ને અક્ષર દેહ આપ્યો હતો. લોકોને નજર સામે બારવટીયાઓના ચિત્રો પણ ઊભા થઈ જતા ને જ્યા કથા બેસવાની છે એ બગસરા ની નજીક જ દાન મહારાજ ની જગ્યા આવેલી છે. તેમની નવલકથા મા યોજાયેલા પાત્રો મા ચરખા ના ચાપરાજ વાળા તથા વાવડી ના રામ વાળા ના ગામ પણ બગસરાથી અને પ્રખર વારતાકાર કાનજી ભુટા બારોટનુ ગામ ટીંબલા પણ નજીક છે. જગવિખ્યાત જાદુગર કે લાલ પણ બગસરાના હતા જે બગસરા થી સાવ નજીક થાય છે
આવા અનોખાં વ્યકિતત્વના સ્વામી, સમર્થ સાહિત્યકાર, લોક સાહિત્યકાર- વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, કવિ, અનુવાદક, સંશોધક, પત્રકાર એમ સાહિત્યની વિધવિધ વિધાઓના જ્ઞાતા, મહા માનવ મેઘાણીભાઇને તેમની એંસીમી પુણ્યતિથિ નિમિત્તે પૂજ્ય બાપુ માનસના માધ્યમથી શ્રદ્ધાંજલિ - સ્મરણાંજલિ આપવા બગસરા આવી રહ્યા છે.
તલગાજરડી ત્રિભુવનીય વિશ્વ વાટિકાના ફ્લાવર્સ અને ગુજરાતી સાહિત્ય વિશ્વ સાથે સંકળાયેલ મહાનુભાવોએ કથાનું રસપાન કરવા બગસરાની વાટ પકડી છે.પુ. બાપુ નો ઉતારો વર્ષો થી જેમની સાથે હ્યદય નો નાતો છે એવા હાલરીયા ના દરબારશ્રી બદરુબાપુ ના નિવાસ સ્થાને રાખવામા આવેલ છે. બદરુબાપુ ના પુત્ર લવકુભાઈ વાળા બાપુની સેવા મા સાથે સતત રહે છે. બગસરા તથા સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવે તે માટેનું પણ આમંત્રણ ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર ભરના દેહાણી ની જગ્યા ના સંતોની પણ ખાસ ઉપસ્થિતિ રહેવાની છે. કાર્યક્રમને આખરે પૂર્ણતાને વિશાળ કથા મંડપ બે બીજા સમીયાણા મા ભાઈઓ અને બહેનોને જમવા માટે અલગ તેમજ સાધુ-સંતો માટે બેસવાનો સમીયાણો અલગ રાખેલ છે. ખાસ રસોડા માટેનો સ્પેશ્યલ વ્યવસ્થા તેમજ કથા બાજુમાં વિશાળ સંખ્યામાં ર્પાકિંગ વ્યવસ્થા અને મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. લોકો સ્વયંભૂ કથા ની તૈયારી મા લાગી ૮૦% કામ પૂર્ણતાને આ રહેશે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ જોવા મળે છે
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
