<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

ધ્રાંગ્રધામાં ખંડણી ન આપતા ઘરમાં ઘૂસી તોડફોડ કરી દંપતિ ઉપર હુમલોઃ મારમારી મંગલસૂત્ર પણ લૂંટી ગયા

 

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૫: ધાંગધ્રાના નરસિંહપરા વિસ્‍તારમાં મદનલાલ પટેલ  પરિવાર સાથે રહે છે. તાજેતરમાં તેમના ઘરે ૪ વ્‍યક્‍તિઓએ પહોંચીને ૫૦ હજાર રૂપિયાની ખંડણીની માંગ કરી અને કહ્યું કે, ‘‘જો તારે તારી લારી ચલાવવી હોય તો ૫૦ હજાર રૂપિયા આપ.'' મદનલાલ પાસે આટલી રકમ ન હોવાથી તેઓએ આરોપીઓને નાં આપતાથી વાપરી મદનલાલ અને તેમના પત્‍ની પર હુમલો કર્યો હતો. મદનલાલને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ, જેના કારણે તેમને પ્રથમ ધાંગધ્રા સરકારી હોસ્‍પિટલમાં લઈ જવાયા અને પછી સુરેન્‍દ્રનગર મેડિકલ કોલેજમાં રેફર કરવામાં આવ્‍યા હતા. તેમની હાલત હજુ પણ ગંભીર જણાય છે.

આ માત્ર એક વખતની ઘટના નથી. મદનલાલે પોલીસને જણાવ્‍યું છે કે છેલ્લા ૪ વર્ષથી અલગ-અલગ ખંડણીખોરો તેમને હેરાન-પરેશાન કરતા આવ્‍યા છે. તેઓ વારંવાર તેમની લારી પાસે આવીને ગલ્લામાંથી પડેલા પૈસા લઈ જાય છે અને ધમકીઓ આપે છે. આ વખતે હુમલા દરમિયાન મદનલાલના પત્‍નીના ગળામાં પહેરેલું મંગલસૂત્ર પણ લૂંટી લેવામાં આવ્‍યું હતું. તેમના પત્‍નીને પગમાં ઇજા થતા ટાંકા લેવા પડ્‍યા છે. આ ઉપરાંત, હુમલા પછી પણ આરોપીઓએ મદનલાલના મોબાઇલ પર ફોન કરીને ધમકીઓ આપી છે. તેઓ કહે છે, ‘‘જો પૈસા નહીં આપે તો તમારો ધંધો નહીં ચલાવા દઈએ અને તમારા બાળકોને શાળામાંથી ઉઠાવી લઈશું.'' આ ધમકીઓથી પરિવાર ભયભીત બન્‍યો છે.

આરોપીઓના નામ સંજય ચૌહાણ, છત્રપાલસિંહ ઝાલા, અંકિત રાવલ અને કેતન મકવાણા છે. ઘટના બન્‍યા પછી મદનલાલના પરિવારજનોએ ૧૧૨ પર કોલ કર્યો હતો. આ મામલે ધાંગધ્રા સીટી પોલીસ તરત જ ઘટનાસ્‍થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. સમગ્ર બનાવ અંગે ૪ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ વડા, DSP પ્રેમસુખ ડેલુએ જણાવ્‍યું છે કે,‘‘ભોગબનનારની ફરિયાદ પર તાત્‍કાલિક કાર્યવાહી કરી છે. વધુ તપાસ માટે સ્‍પેશિયલ લોકલ ક્રાઇમ બ્રાન્‍ચને તપાસ સોંપી છે. પરિવારને ન્‍યાય મળશે અને આવા ખંડણીખોરોને કડક સજા થશે.ઢ તેઓએ ભોગબનનાર પરિવારને ખાતરી પણ આપી છે કે આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવશે.

મદનલાલે પોલીસને વધુમાં જણાવ્‍યું કે, ‘‘ખંડણીખોરોની આ બેફામીથી અમારું જીવન બગડી ગયું છે. અમે નાનો ધંધો કરીને રોજી-રોટી ચલાવીએ છીએ, પણ આવી ધમકીઓથી બાળકો પણ ડરી ગયા છે.'' તેઓએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરીને તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ ઘટના સુરેન્‍દ્રનગર જિલ્લામાં વધતા ગુનાઓનું પ્રતીક બની છે. સ્‍થાનિક લોકો પણ આ મુદ્દે ચિંતિત છે અને વધુ સુરક્ષાની માંગ કરી છે.  આરોપીઓને  પકડવાની તજવીજ હાથ ધરાઈ છે.

(11:38 AM IST)