News of Friday, 6th March 2026
મોરબીના રફાળેશ્વરમાં ભરત ચોહાણને મિત્ર પ્રદિપે પેટમાં લાદીના ઘા ઝીંકી પતાવી દીધો
નશાની હાલતમાં ઝઘડો થયાની ચર્ચાઃ ઘાયલ યુવાન એક દિવસ લોહીલુહાણ હાલતમાં ઘરમાં પડયો રહ્યોઃ બહારગામથી માતા આવતાં રાજકોટ સારવારમાં ખસેડયો પણ દમ તોડી દીધોઃ હત્યાનો ભોગ બનનાર રખડતું જીવન જીવતો, ક્યારેક ઘરે આવતો

રાજકોટ તા. ૬: મોરબીના રફાળેશ્વરમાં એક યુવાન સાથે તેના જ મિત્રને માથાકુટ થતાં પેટમાં લાદીના ટુકડાના ઘા મારી દેતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે. બે દિવસ પહેલા આ યુવાન પર હુમલો થતાં રાજકોટ સારવાર હેઠળ હતો. આજે સવારે તેણે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
જાણવા મળ્યા મુજબ મોરબીના રફાળેશ્વરમાં આવેલા આંબેડકરનગરમાં રહેતાં ભરતભાઇ જગદીશભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૦) નામના યુવાન પર તા. ૪/૩ના સાંજે આઠેક વાગ્યે ઘર નજીક આવેલા કૈલાસ નામના કારખાના પાસે ખોડીયાર મંદિર નજીક તેના જ મિત્ર પ્રદિપ સહિતે હુમલો કરી માર મારી પેટ પડખાના ભાગે લાદીના અણીદાર ટૂકડાથી ઘા ઝીંકી દેતાં ભરતભાઇ લોહીલુહાણ થઇ ગયો હતો.
બાદમાં તે લોહી નીકળતી હાલતમાં જ ઘરે પહોંચ્યો હતો અને સુઇ ગયો હતો. બીજા દિવસે તેના માતા દયાબેન જે દિકરીને હારડો દેવા જામનગર ગયા હોઇ ત્યાંથી ઘરે આવ્યા ત્યારે દિકરાને ઇજાગ્રસ્ત જોતાં પૃછા કરતાં પોતાને મિત્ર પ્રદિપે લાદીના ટુકડાથી ઇજા કર્યાનું કહેતાં દયાબેને તુરત જ તેને મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
અહિ ભરતભાઇનું આજે સવારે મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. દયાબેને જણાવ્યું હતું કે મારે સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. જેમાં ભરતભાઇ બીજા નંબરે હતો અને કુંવારો હતો. મારા પતિ હયાત નથી. હું સફાઇ કામ કરીને ગુજરાન ચલાવુ છું. ભરતભાઇને નશાની આદત હોઇ તે મોટે ભાગે ગમે ત્યાં ખાઇ પી રખડતો હતો અને સુઇ જતો હતો. ક્યારેક ઘરે આવતો જતો હતો. પરમ દિવસે હું જામનગરથી ઘરે આવી ત્યારે ભરતભાઇ મારા ઘરમાંથી લોહીલુહાણ ઇજાગ્રસ્ત મળ્યો હતો. તે આગલા દિવસથી આવી હાલતમાં અહિ પડયો રહ્યો હતો. નશો કર્યા બાદ મિત્રો વચ્ચે કોઇ વાતે માથાકુટ થયા બાદ હુમલો થયો હોઇ શકે છે. તેમ વધુમાં દયાબેને કહેતાં મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દયાબેને આ ઘટનાની વિગતો જણાવી હોઇ ખરેખર શું બન્યું? ખરેખર મિત્રએ જ હુમલો કર્યો કે અન્ય કંઇ બન્યું? તેની તપાસ પોલીસ કરશે. મૃતદેહનું રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ થયા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. આ બનાવથી રફાળેશ્વરમાં ચકચાર જાગી છે. (૧૪.૫)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
