News of Friday, 6th March 2026
ગોંડલમાં દુકાન ખાલી કરવા મુદ્દે વેપારી ઉપર પાઈપ-ધોકાથી ચાર શખ્સોનો ઘાતકી હુમલો
વચ્ચે પડેલા મિત્રને પણ માર પડયોઃ મુખ્ય હુમલાખોરના ફલેટમાંથી દારૂના જથ્થા સાથે ત્રણ પકડાયાઃ મુખ્ય સુત્રધાર બિટુ જાડેજાની શોધખોળ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૬: ગોંડલમાં ગત રાત્રીનાં કૈલાશ કોમ્પ્લેક્ષ પાસે નાનીબજારમાં નોવેલ્ટીની દુકાન ચલાવતાં વિપ્ર યુવાન અને તેનાં મિત્ર પર ચાર શખ્સોએ લોખંડનાં પાઇપ તથા ધોકા વડે હુમલો કરી બેરહ માર મારતા બન્ને યુવાનો ને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. બાદ માં વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાયાં છે. બનાવનાં પગલે એક્શન મોડ પર આવેલી પોલીસે મોડી રાતે બીટુ જાડેજાનાં ફલેટ પર દરોડો પાડ્યો હતો.
જ્યાંથી વિદેશી દારુનો જથ્થા સાથે ત્રણ શખ્સોની અટક કરી હતી. પોલીસે નાશી ગયેલા હુમલાખોરને પકડવાં અલગ અલગ ટીમ બનાવી તપાસ ગતિમાન કરી છે. પ્રાપ્ત વિગત મુજબ ભોજરાજ પરા શેરીનં.૧૬ માં રહેતા અને નાનીબજાર માં કલાનિકેતન નામે નોવેલ્ટીનો ધંધો કરતાં ગૌરવભાઇ ભરતભાઈ જોશી ઉ.૩૮ ગત રાત્રીનાં સાડા નવનાં સુમારે કૈલાશ કોમ્પ્લેક્ષ પાસે તેના મિત્ર હરદિપભાઇ માંડલીયા સાથે બેઠાં હતાં, ત્યારે ઇનોવા કાર માં ધસી આવેલા બીટુભા જાડેજા, તેનો પિતરાઇભાઇ તથા બે અજાણ્યાં શખ્સોએ લોખંડનાં પાઇપ તથા ધોકા વડે હુમલો કરતા ગૌતમભાઇનાં બન્ને હાથ પગ ભાંગી ગયા હતા. ગૌરવભાઇને બચાવવા વચમાં પડેલાં તેનાં મિત્ર હરદિપભાઇને પણ ધોકા પાઇપનાં ઘા લાગતાં હાથમાં ફ્રેકચર થયુ હતું. બન્નેને તુરંત ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાયા હતાં. બનાવ અંગે ગૌરવભાઇ જોશી એ એડિવીઝન પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું કે બીટુ જાડેજાએ નાનીબજારમાં આવેલી મારી પાઘડી પાનાની દુકાનની આજુબાજુની ત્રણ ખાલી કરાવી વેંચાણ કરેલ હતું. મારી દુકાન પણ બળજબરીથી ખાલી કરાવી પચાવી પાડવાં માંગતા હોય પોતે દુકાનમાં વેપાર ધંધો કરતા હોય ખાલી કરવાની ના પાડતાં મારી નાખવાનાં ઇરાદે પાઇપ તથા ધોકાથી હુમલો કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યાં મુજબ ગત રાત્રે ગૌરવભાઇ તથા તેના મિત્ર ભુપતભાઈ ગુંદાળા દરવાજા પાસે પેટ્રોલ પંપ સામે આવેલી પરાગ પાનની દુકાને ઉભા હતાં. ત્યારે સ્કુટરમાં આવેલા બીટુ જાડેજા તથા તેના પિતરાઇ એ ગૌરવભાઇને ધમકાવી કહેલ કે તારાં બાપને કાલથી દુકાને બેસવા નથી દેવો. આ રમયે ગૌરવભાઇ એ કહેલ કે કાલની વાત કાલે. દરમિયાન બીટુ જાડેજા અને તેનો પિતરાઇ ઉશ્કેરાઈ જઈને મુંઢમાર માર્યો હતો. બાદમાં બન્ને શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતાં. ત્યારબાદ ભુપતભાઈ ગૌરવભાઇને લઈ કૈલાશ કોમ્પ્લેક્ષ પંહોચ્યાં હતાં. જ્યાં તેમનો અન્ય મિત્ર હરદિપભાઇ આવી જતા ત્રણેય બેઠાં હતાં. થોડાં સમય બાદ ઇનોવા કારમાં ઘસી આવેલાં બીટુ જાડેજા તેનાં પિતરાઇ તથા બે શખ્સોએ લોખંડનાં પાઇપ તથા ધોકા વડે ઘાતક હુમલો કરતા ગૌતમભાઇ તથા હરદિપભાઇ ઇજાગ્રસ્ત બન્યા હતાં.
ખાનગી હોસ્પિટલે દોડી આવેલાં પીઆઇ. એલ.આર.ગોહિલ, જે.પી રાવ સહિત પોલીસ કાફલા એ ગૌરવભાઇની ફરિયાદ લઇ હુમલાખોરોને જડપી લેવાં ચક્રો ગતિમાન કર્યા હતાં. બનાવની ગંભીરતાને લઈને એસપી.વિજયસિંહ ગુર્જર પણ ગોંડલ દોડી આવ્યા હતાં. અને બનાવની વિગતો જાણી હુમલાખોરોને તાકીદે જડપી લેવાં સુચના આપી હતી. દરમિયાન પોલીસે મોડી રાતે બીટુ જાડેજાને જડપી લેવા રેલ્વેસ્ટેશન પાસે આવેલા શ્રીનાથ એપાર્ટમેન્ટનાં તેનાં ફલેટ પર બીડિવિઝન પોલીસે છાપો મારતા રુ.૭૮૨૬ ની કિંમતનો વિદેશી દારુ તથા બિયરનાં જથ્થા સાથે વિવેક ઉર્ફ બંટી ભરતભાઈ જોશી,કરણ અરવિંદભાઈ સાદરાણી તથા કેતન લલીતભાઇ શાહ મળી આવતા તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ફલેટ પરથી બીટુ જાડેજા મળી આવેલ ન હતો.
પોલીસ સુત્રોનાં જણાવ્યાં મુજબ બીટુ જાડેજાની ઓફિસ માંથી દારુનો જથ્થો તેના ફલેટ પર સગેવગે કરાઇ રહ્યો હતો. ત્યારે જ પોલીસ પંહોચી ગઈ હતી. પકડાયેલા ત્રણેય શખ્સો બીટુ જાડેજાનાં માણસો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
