<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

ચાલુ મહિનાથી જ શરૂ થશે આકરો ઉનાળો: તાપમાન ૪૮ ડિગ્રીએ પહોંચવાની અને કમોસમી વરસાદની વજુભાઈ બારૈયાની આગાહી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વાસીયાળી ગામના હવામાન નિષ્ણાત વજુભાઈ બારૈયાની આગાહી મુજબ આ વર્ષે ઉનાળો અત્યંત આકરો રહેશે અને તાપમાન ૪૮ ડિગ્રી સુધી પહોંચી શકે છે. સાથે જ ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ ઉનાળુ પાક માટે ચિંતા વધારશે. ડિજિટલ મીડિયા અને સત્તાવાર હવામાન વિભાગ (આઈએમડી) ના અહેવાલો પણ માર્ચમાં હીટવેવની પુષ્ટિ કરે છે.

હવામાન નિષ્ણાત વજુભાઈ બારૈયાની લેટેસ્ટ આગાહી મુજબ, આ વર્ષે ઉનાળાનો આકરો મિજાજ માર્ચ મહિનાથી જ જોવા મળી જશે. ઉનાળા દરમિયાન તાપમાનનો પારો ૪૮ ડિગ્રી સુધી પહોંચી જવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

આ આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદની પણ સંભાવના રહેલી છે. અમુક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની કમોસમી વરસાદ પડી શકે છે, જે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા ઉનાળુ પિયત અને પાક માટે અત્યંત ચિંતાજનક સાબિત થઈ શકે છે.

આ આગાહીની સાથે જ સત્તાવાર હવામાન વિભાગ (આઈએમડી) અને વિવિધ વેધર વેબસાઈટ્સના અહેવાલો મુજબ પણ માર્ચ મહિનાથી જ મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની ૭૫ ટકાથી વધુ શક્યતા દર્શાવવામાં આવી છે. 

જ્યારે ડિજિટલ મીડિયાના અહેવાલો અનુસાર, ૮ થી ૧૧ માર્ચ વચ્ચે ગુજરાતના મોટાભાગના શહેરોમાં હીટવેવ (લૂ) ની શક્યતા છે અને વડોદરા તથા અમદાવાદ જેવા શહેરોમાં તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી સુધી પહોંચી શકે છે. આમ, વજુભાઈ બારૈયાની ગરમીની આગાહીને સત્તાવાર  સમર્થન પણ મળી રહ્યું છે.

(11:45 AM IST)