<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

ધોરાજીના જુનાગઢ રોડ પાસે છોટા હાથી પલ્‍ટી મારી જતાં લક્ષમણભાઇનું મોતઃ ભત્રીજા સહિત ત્રણને ઇજા

પતરાંની ગાડી ખાલી કરવા જઈ રહ્યા હતાં ત્‍યારે બનાવઃ રાજકોટમાં દમ તોડયોઃ જુનાગઢના ગોહેલ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૭:  ધોરાજી નજીક ધોરાજી-જુનાગઢ રોડ પર છોટા હાથી પલ્‍ટી મારી જતાં જુનાગઢના આધેડનું મોત થયું છે. જ્‍યારે તેમના ભત્રીજા સહિત ત્રણને ઇજા થઇ હતી. આ બનાવને પગલે પરિવારમાં શોક છવાઇ ગયો છે. પતરા ભરીને ખાલી કરવા જતી વખતે આ બનાવ બન્‍યો હતો.

આ અકસ્‍માતની વિગત એવી છે કે, જૂનાગઢના સુખનાથ ચોકમાં રહેતા અને મજૂરી કામ કરતાં લક્ષ્મણભાઇ જેઠાભાઈ ગોહેલ (ઉં.વ. ૪૫), તેમના ભત્રીજા દિપેશ બચુભાઈ ગોહેલ (ઉ.વ. ૨૨) તથા કિશોરભાઇ લાલુભાઈ પરમાર (ઉં.વ. ૪૨) તા.૧ના રોજ રિઝવાનના છોટા હાથીમાં બેસી પત્તરાની ગાડી ખાલી કરવા જઈ રહ્યા હતાં. દરમિયાન ધોરાજી નજીક જુનાગઢ રોડ પાસે આવેલ પુલ પર છોટા હાથી પલ્‍ટી ખાઈ જતા  છોટા હાથીમાં સવાર લક્ષ્મણભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તેમને પ્રથમ જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્‍યાં હતાં. જે બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યાં હતાં.

 અહીં તેમનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્‍યું હતું. મળતક અપરિણીત હતાં, ત્રણ ભાઈ અને બે બહેનમાં વચેટ હોવાનું સામે આવ્‍યું છે. જ્‍યારે છોટા હાથીના ચાલક રિઝવાન તથા મળતકના ભત્રીજા અને અન્‍ય એક શ્રમિકને  ઈજા થઈ હોવાનું સામે આવ્‍યું છે. બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ધોરાજી પોલીસે કાર્યવાહી કરી હતી. 

(12:00 PM IST)