News of Saturday, 7th March 2026
જામનગરમાં અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ તા.૭, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના શ્રી એમ.પી. શાહ ટાઉન હોલ ખાતે ‘સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ વિશેષ ઉપસ્થિત રહીને જનસેવાના આ વિશેષ પ્રકલ્પને ખુલ્લો મૂકયો હતો.
કાર્યક્રમ દરમિયાન મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ટાઉન હોલ ખાતે તૈયાર કરવામાં આવેલા વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય તપાસ, આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા અને સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓના સ્ટોલ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ સ્થળ પર જ ઉપસ્થિત અરજદારો સાથે વાતચીત કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયરશ્રી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમન નિલેશભાઈ કગથરા, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોશી, કલેકટર કેતન ઠક્કર, ડે.કમિશનરશ્રી ઝાલા સહિતના અધિકારીશ્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા અને શહેરના વિકાસ કાર્યોની સમીક્ષા માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ જામનગરના પ્રગતિ હેઠળના વિવિધ પ્રકલ્પોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, મેઘજીભાઇ ચાવડા, હેમંતભાઇ ડવ,જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અધિક નિવાસી કલેકટરશ્રી શારદા કાથડ, ડે. મ્યુનિસિપલ કમિશનરશ્રી ઝાલા તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
