News of Monday, 9th March 2026
એસટીની “અસલામત સવારી”: માતાના મઢ-નલિયા બસનો ચાલક નરવતસિંહ સાલમસિંહ ડાભી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો : રાપર પાસે ચાલુ બસે ટાયર ફાટ્યું
બાદરગઢ પાસેથી રાપર એસટી ડેપોને પ્રવાસીઓ માટે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરવાની વિનંતી કરવા છતાયે બસ ન મોકલાઈ પરિણામે ભારે તાપમાં નાના મોટા પ્રવાસીઓ શેકાઈને પરેશાન થયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ : એસટીની સવારી તરફ લોકોનો પુનઃ વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એસટી સેવા સુધારવા એસટીના ડ્રાઇવર કંડક્ટરોને તાલીમ સહિત વિશેષ આયોજન ઘડી કાઢવાની જરૂર છે. કચ્છ જેવા વિશાળ ક્ષેત્રફળ ધરાવતા જિલ્લામાં ગ્રામ્ય અને તાલુકા મથકોને જોડતી એસટીની આંતરિક સેવાઓ વિખેરાઈ રહી છે. ગઈકાલે માતાના મઢમાં દારૂ પીધેલ એસટી ડ્રાઈવરને પ્રવાસીઓએ પકડી પોલીસને હવાલે કર્યો હતો. નલિયા માતાના મઢ નલિયા એ લોકલ એસટી બસનો ચાલક નરવતસિંહ સાલમસિંહ ડાભી દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવી રહ્યો હતો. એસટી બસની સવારીને સલામત ગણાવતી સરકારની જાહેરાતનો છેદ ઉડાવતો કડવો અનુભવ માંડવી, ભુજ રાપર જેવા ૧૫૦ કિમીના રૂટના લાંબા રૂટના પ્રવાસીઓને થયો હતો. બસ બાદરગઢ ગામ પાસે પહોંચી ત્યારે એકાએક ટાયર ફાટતા બસ બેકાબૂ થતાં પ્રવાસીઓએ ચીસાચીસ કરી હતી. જોકે, એસટી ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી અકસ્માત બચાવ્યો હતો. દરમ્યાન બાદરગઢ પાસેથી રાપર એસટી ડેપોને પ્રવાસીઓ માટે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરવાની વિનંતી કરવા છતાયે બસ ન મોકલાઈ પરિણામે ભારે તાપમાં નાના મોટા પ્રવાસીઓ શેકાઈને પરેશાન થયા હતા. એસટી તંત્રના કર્મચારીની શિસ્ત સાથે પ્રવાસીઓને સાનુકૂળ વાતાવરણ મળે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે.
(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
