તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Monday, 9th March 2026
કેશોદના કાલવાણી ગામે પૂર્વ સરપંચે સોલારના ચાર થાંભલા તોડયા
મિલ્કત અમારા ગામની છે તેમ કહી નુકસાન કર્યું

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૦૯: કેશોદના કાલવાણી ગામે પૂર્વ સરપંચે સોલારના ચાર થાંભલા તોડી નાંખી નુકસાન કર્યાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
કેશોદના કાલવાણી ગામે ઓનિક્સ રીન્યુએબલ લિમિટેડ કંપની દ્વારા કેન્દ્ર સરકારની યોજના હેઠળ સોલાર લાઈન ફીટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
કંપનીના ઈજનેર રૂચિત ઠાકર, ભરત સગારકા અને રાજન સોંદરવા મજૂરો સાથે કાલવાણી ગામે રામાપીરના મંદિર પાસે પાવર લાઈન નાખવા કામગીરી કરી રહ્યા હતા. તે દરમ્યાન કાલવાણી ગામના માજી સરપંચ અમુભાઈ ધાનાએ સ્થળ પર પહોંચી જણાવ્યું હતું કે, ‘‘આ પ્લોટ મેં વારેલ છે, તમારૂ બધું સંકેલી લો આ જગ્યાએ કોઈ કામ કરવાનું નથી, મિલ્કત અમારા ગામની છે, બોરીયા બિસ્તર બાંધી લો, કોઈ લાઈન નીકળશે નહીં, જ્યાં જવું હોય ત્યાં જજો'' તેમ કહી જો પ્લોટમાં આવ્યા તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી અને જેટલા પોલ ઉભા છે તેને ભાંગી નાખવા છે તેવું જણાવ્યું હતું.
ત્યારબાદ તે સમયે ઝઘડાના કારણે કંપનીએ કામ બંધ કરી દીધું હતું. બીજા દિવસે સવારે કાલવાણી ગામે રહેતા સરપંચે કંપનીના પ્રોજેક્ટ મેનેજર સત્યમ રાદડિયાને ફોન કરી વીજ પોલ ભાંગ્યા હોવાનું જણાવ્યું હતું જેથી સત્યમભાઈ, ઈજનેર રૂચીતભાઈ અને ભરતભાઈ સ્થળ પર પહોંચતા સ્મશાન પાસે બે અને ગાંગેચાના રસ્તે બે મળી કુલ ચાર પોલ તૂટેલા જોવા મળ્યા હતા. કંપનીના પ્રોજેક્ટ મેનેજર સત્યમભાઈ રાદડિયાએ માજી સરપંચ અમુભાઈ ધાના વિરૂધ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં વીજ લાઈન માટેના ચાર પોલ તોડી રૂપિયા ૪૦૦૦૦ની નુકસાન કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
