News of Monday, 9th March 2026
મેઘાણીજીના ગીતોમાં કાયરતા નહી, શોૈર્યતા છેઃ પૂ.મોરારીબાપુ
બગસરામાં આયોજીત ‘માનસ મેઘાણી' શ્રી રામકથાનો આજે ત્રીજો દિવસ

શનીવારે પૂ.મોરારીબાપુના વ્યાસાસને ‘‘માનસ મેઘાણી'' શ્રી રામકથાનો પ્રારંભ થયો હતો તે તસ્વીરમાં નજરે પડે છે
રાજકોટ તા.૯: બગસરા એટલે ગાંધીજીએ જેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે એ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને આ ભૂમિ ઉપર રામકથાના માધ્યમથી તેને સ્મરણાંજલિ આપવાનો રૂડો ઉત્સવ પૂ.મોરારીબાપુએ ઉભો કર્યો છે. તેનો પ્રારંભ ૭ માર્ચથી થયો અને સમાપન ૧૫ માર્ચના રોજ થશે.કથાના મનોરથી મૂળ લાઠીના અને હાલ યુ.એસ.એ.સ્થિત સુશ્રી હર્ષાબા ગોહિલ છે.
બાપુએ પોતાની વાણીને મુખર કરી પોતાનો રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે મેઘાણી શબ્દને હું તલગાજરડાના શબ્દોથી કહું તો તેમના શબ્દો એ મેઘવાણી છે.આ વાણી અને લોકોને ભીંજવે છે. મેઘાણી ભાઈને ૧૪ રત્ન સન્માનથી નવાજવાનો આ સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યો છે તેનો આનંદ અને ગૌરવ અનુભવું છું.
રામકથાના માધ્યમથી હિન્દીના સર્જકો નિરાલા અને દિનકર વગેરેને આ જ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ગુજરાતીના પ્રતિષ્ઠિત સાહિત્યકાર કવિ ઉમાશંકર જોશીને પણ યાદ કરીને તેમના વતન બામણામા કથા ગાનના માધ્યમથી ભાવાંજલિ અર્પી છે. બાપુએ આપણા અમરેલીના રમેશ પારેખ અને ચલાલાના લોકસાહિત્યકાર કાનજી ભુટા બારોટ અને આપણા સેવા સાથી પૂજ્ય રવિશંકર મહારાજને પણ કથાના માધ્યમથી યાદ કરવાનો મનોરથ વ્યક્ત કર્યો.
પ્રથમ દિવસે કથાનો ક્રમ વિવિધ પાત્રો અને દેવોની વંદના સાથે આજની કથાને વિરામ આપવામાં આવ્યો હતો.કથાની ભુમિકા કવિ,ગાયક શ્રી હરીચંદ્ર જોશીએ પ્રસ્તુત કરી હતી.
દીપ પ્રાગટય અને કથામાં મનોરથી અજયસિંહ રસિકસિંહ ગોહિલ, સાંસદ પુરુષોત્તમ રૂપાલા ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી ધારાસભ્ય મહેશ કસવાલા અને જે.વી. કાકડીયા માનવ મંદિરના પૂ ભક્તિરામબાપુ, મોરબીના શિવરામ સાહેબ,બદરુભાઈ વાળા, ઝવેરચંદ મેઘાણીના સુપુત્રો અશોકભાઈ મેઘાણી અને પોૈત્ર પીનાકીભાઇ મેઘાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
કથાના સમગ્ર આયોજન વ્યવસ્થામાં ચીમનભાઈ વાઘેલા, ભરતભાઈ ચાંદ્રાણી, લવકુભાઈ વાળા અને બગસરાના સ્થાનિક આગેવાનો પણ જોડાયાં હતાં.
ગઇકાલે શ્રીરામકથાના બીજા દિવસે પૂ.મોરારીબાપુએ કહયુ હતુ કે, ચોટીલામાં ત્રણેક દિવસનો સેમીનાર વિદ્ધાનોને બોલાવીને કરવો જોઇએ એવુ. પિનાકીભાઇને કહેતા જણાવ્યુ કે બંગાળથી મેઘાણીજીએ પત્રો લખ્યા ‘લિ. હું આવુ છું'. સોૈરાષ્ટ્ર, ગુજરાત અને રાષ્ટ્રની અસ્મિતાને પુનઃ બેઠી કરવા ‘હું આવુ છું' એનો ખાસ ઉલ્લેખ કર્યો.
મેઘાણીજીમાં જે પાંચ ગુણ દેખાય છે. એમાં સોંદર્ય- મેઘાણીના વાંકડિયા વાળ અને કવિ હંમેશા સુંદર જ લાગે. એણે જેટલા ક્ષેત્રોમાં કામ કર્યુ એને પણ સુંદર કરી દીધા છે. એનામાં ઓૈદાર્ય છે. આ વૈષ્ણવ વાણિયો ઉદાર છે, કૃપણ નથી. કુંટુંબ પ્રતિપાલક છે. શોૈર્ય બહુ જ છે. એના ગીતોમાં કાયરતા નથી છતા ધૈર્ય પણ છે. તેમ તખુભાઇ સાંડસુર (વેળાવદર)ની યાદીમાં જણાવ્યુ છે
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
