News of Tuesday, 10th March 2026
જુનાગઢ જિલ્લાના ૯ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી
વહીવટી કાર્યક્ષમતા વધારવા એસપી સુબોધ ઓડેદરાએ કર્યા ઓર્ડર

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ તા. ૧૦,જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને વહીવટી કાર્યક્ષમતામાં વધારો કરવાના હેતુથી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા જાહેર હિતને ધ્યાને રાખીને જિલ્લામાં ફરજ બજાવતા ૯ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી નિમણૂકના સ્થળે હાજર થઈ પોલીસ અધિક્ષકની કચેરીને રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ લીવ રિઝર્વમાં રહેલા વાય.બી. રાણાને જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે અહીં ફરજ બજાવતા જે. જે. પટેલની બદલી માંગરોળ ખાતે કરવામાં આવી છે. તેવી જ રીતે, માંગરોળમાં કાર્યરત એસ.કે. દેસાઈની નિમણૂક હવે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
મેંદરડાના પોલીસ ઇન્સ્પેક્ટર પી. સી. સરવૈયાની બદલી ભવનાથ ખાતે કરવામાં આવી છે. જયારે ભવનાથના પીઆઇ એમ.સી. પટેલને શીલ ખાતે મોકલવામાં આવ્યા છે. આ સાથે જ શીલના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. રાઠોડની બદલી મેંદરડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
લીવ રિઝર્વમાં રહેલા આર.એ. ચૌધરીને ભેંસાણ ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ભેંસાણથી આર.પી. વણઝારાની બદલી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. જયારે ટ્રાફિક પોલીસ સ્ટેશનના એચ.કે. હુંબલને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે.
એસપી સુબોધ ઓડેદરા દ્વારા તમામ અધિકારીઓએ વિલંબ કર્યા વગર પોતાની નવી નિયુક્તિના સ્થળે હાજર થઈ તે અંગેનો વિગતવાર અહેવાલ પોલીસ અધિક્ષકની કચેરીને ત્વરિત મોકલી આપવા જણાવાયું છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
