News of Tuesday, 10th March 2026
જૂનાગઢ ભાજપમાં આંતરિક વિવાદ સપાટીએ:એક જ પરિવારમાં બે હોદ્દા અપાતા કાર્યકરોમાં ભારે અસંતોષ
યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીએ સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરી શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયાની કાર્યશૈલી અને બેવડા ધોરણો સામે આકરા પ્રહારો કર્યા

જૂનાગઢ ભાજપમાં સંગઠનાત્મક માળખાને લઈ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે, જેમાં પરિવારવાદના આક્ષેપોએ રાજકીય ગરમાવો વધાર્યો છે. યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીએ સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરી શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયાની કાર્યશૈલી અને બેવડા ધોરણો સામે આકરા પ્રહારો કર્યા છે.
જોશીએ આક્ષેપ કર્યો છે કે પાર્ટીમાં 'એક પરિવાર, એક હોદ્દો' ના નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરી આડતિયા પરિવારને પદની લહાણી કરવામાં આવી છે. આ વિવાદને પગલે સ્થાનિક કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, જે આગામી ચૂંટણીઓ પૂર્વે શિસ્તબદ્ધ ગણાતા પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે.
સામે પક્ષે, ગિરીશ આડતિયાએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા વળતો પ્રહાર કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમના ધર્મપત્નીએ 25 જાન્યુઆરીએ વોર્ડ મંત્રી પદેથી અગાઉથી જ રાજીનામું આપી દીધું હતું, તેથી પક્ષના નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું નથી.
આડતિયાએ ઉમેર્યું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને પક્ષની છબી ખરડવા આવા વીડિયો વાયરલ કરી રહ્યા છે. તેમણે સૂચન કર્યું કે જો કોઈ ફરિયાદ હોય તો તે સોશિયલ મીડિયાને બદલે પક્ષના મોવડી મંડળ સમક્ષ રજૂ કરવી જોઈએ. હાલમાં જૂનાગઢનું આ રાજકીય ઘમસાણ પ્રદેશ નેતાગીરી સુધી પહોંચે તેવી શક્યતા છે
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
