News of Wednesday, 11th March 2026
કચ્છમાં ૬૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનાર રણ રસ્તો બનશે ઉદ્યોગ અને પ્રવાસનના વિકાસનો રાજમાર્ગ: વિનોદ ચાવડા
રોડ ટુ હેવનનો રસ્તો પહોળો બનશે, કચ્છમાં થયેલા ધોરી માર્ગોના વિકાસનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈને આપતા સાંસદ વિનોદ ચાવડા, લખપતને છેક સાંતલપુર સુધી જોડવાથી અંતરમાં ખૂબ જ ઘટાડો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રીશ્રી નિતીનભાઈ ગડકરી ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા ના લોકસભા મતક્ષેત્રનાં ગુજરાતના કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર - 754K (ઘડુલી – સાંતલપુર રોડ) ના 165.58 કિમી લાંબા લખપત – ઘડુલી - ઝારા - હાજીપીર – ખાવડા – રોડ ટુ હેવન - ધોળાવીરા રોડ સેકશન ને કુલ રૂ. 650.42 કરોડના ખર્ચે બે લેન પેવ્ડ સોલ્ડર (10 મી.) સાથે પહોળો કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
સાંસદ વિનોદભાઇ ચાવડાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીનભાઈ ગડકરીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ કચ્છ પ્રદેશનું ગુજરાતના બાકીના ભાગ સાથે જોડાણ સુધારશે. કચ્છમાં દર વર્ષે અનેક મોટા ઉત્સવો જેવા કે ધોરડો ખાતેના રણોત્સવ, વિશ્વ વિખ્યાત ધોળાવીરાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે, જેની પહોંચ આ કોરિડોર પર આધારિત છે. આ હાઇવે કચ્છમાં મુખ્ય ખનિજ અને મીઠા ઉદ્યોગો માટે માલ સામાન ની અવર જવરને પણ સરળ બનાવશે, જે પ્રાદેશિક આર્થિક વિકાસમાં ફાળો આપશે.
હાલમાં, હયાત રસ્તો સિંગલ લેન હોવાથી ખૂબ જ ભીડ - ભાડ વાળો છે અને અકસ્માતો થવાની સંભાવના વધારે છે. હવે 2 - લેન વાળા રસ્તામાં અપગ્રેડ કરવાથી ટ્રાફિકમાં ઘટાડો થશે, માર્ગ સલામતીમાં સુધારો થશે અને વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, જેના પરિણામે સલામત અને વધુ કાર્યક્ષમ મુસાફરી થશે અને સાથે સાથે ઇંધણ કાર્યક્ષમતામાં પણ સુધારો થશે. વધુમાં પ્રવાસન, સીમા સુરક્ષા અને આર્થિક વિકાસ ને ખુબ વેગ આપશે.
કચ્છ - મોરબી નાં સાંસદ વિનોદભાઇ ચાવડા એ જાહેરાત ને આવકરતા જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોનો વિકાસ થઈ રહ્યો છે. આમ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા કચ્છ જિલ્લાના વિકાસકામો ને અગ્રતા આપવા બદલ તેમને હૃદય પૂર્વક બિરદાવ્યા છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
