<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય એક્શન મોડમાં: દેવભૂમિ દ્વારકાના સુરક્ષાચક્રની કરી સર્વગ્રાહી સમીક્ષા, સાગર સુરક્ષા મુદ્દે મેળવી વિગતો

૨૦૨૭ની ચૂંટણી પૂર્વે કાયદો-વ્યવસ્થા જાળવવા નિર્લિપ્ત રાયની પાંચ જિલ્લાના એસપી સાથે મહત્વની બેઠક; ડીવાયએસપી સાગર રાઠોડ સહિતના કાફલાએ દ્વારકાધીશની પ્રતિમા અર્પી રેન્જ ડીઆઈજીનું કર્યું સ્વાગત

રાજકોટ:રાજકોટ રેન્જ ડીઆઈજી તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ પ્રજામાં લોકપ્રિય અને કડક છાપ ધરાવતા સિનિયર આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયે ઉત્તર સૌરાષ્ટ્રમાં કાયદાનું શાસન મજબૂત કરવા માટે આક્રમક રણનીતિ અપનાવી છે. પોતાની નિમણૂકને સાર્થક કરતા હોય તેમ નિર્લિપ્ત રાયે રાજકોટ રૂરલ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાઓ (SP) સાથે મેરેથોન બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે તમામ જિલ્લાઓમાં કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વગર કાયદાનું સામ્રાજ્ય સ્થાપવા માટે પોલીસ દળ એક્ટિવ રહે.

ચૂંટણીલક્ષી રણનીતિ અને કાયદો-વ્યવસ્થા:
આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિપક્ષી પાર્ટીઓ કાયદો અને વ્યવસ્થાના મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ ઘડી રહી હોવાના અહેવાલો વચ્ચે આ નિમણૂક અત્યંત મહત્વની મનાય છે. ઉત્તર સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ, દારૂ, ગેરકાયદે ખાણ-ખનીજ અને રાજકીય વર્ચસ્વની આંતરિક લડાઈઓને ડામી દેવા માટે ડીઆઈજી નિર્લિપ્ત રાયે કમર કસી છે. દરેક સમાજમાં અન્યાયની લાગણી ન જન્મે અને સંતુલન જળવાય તે બાબતને કેન્દ્રમાં રાખીને પોલીસ કામગીરી કરવા તેમણે સૂચના આપી છે.

ગોંડલથી મોરબી અને દ્વારકા સુધીની મેરેથોન મુલાકાત:
રાજકોટ રેન્જમાં કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ સીધા ગોંડલ બી-ડિવિઝન ખાતે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફ સાથે બેઠક યોજી કડક અમલવારીના પગલાં સૂચવ્યા હતા. ત્યારબાદ મોરબી પહોંચી લોકોના પ્રશ્નો અને લાગણીઓને પ્રાધાન્ય આપી પોલીસ તંત્રને દોડતું કર્યું હતું. આરામ વગર સતત કામ કરવાની પોતાની કાર્યશૈલી મુજબ તેઓ છેલ્લે દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા.

દ્વારકામાં ભવ્ય સ્વાગત અને સુરક્ષા સમીક્ષા:
દ્વારકાના પવિત્ર યાત્રાધામમાં દર્શન કર્યા બાદ ડીઆઈજી નિર્લિપ્ત રાયે દરિયાઈ સુરક્ષા એટલે કે સાગર સુરક્ષાને લઈને ગંભીર ચર્ચાઓ કરી હતી. દ્વારકા પહોંચતા જ ડીવાયએસપી સાગર રાઠોડ સહિતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્મૃતિચિહ્ન રૂપે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી. નિર્લિપ્ત રાયે દ્વારકાના સુરક્ષાચક્રની ઝીણવટભરી તપાસ કરી સ્થાનિક અધિકારીઓ પાસેથી પ્રાથમિક વિગતો મેળવીને દરિયાકાંઠાની સુરક્ષા વધુ સુદ્રઢ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

આગામી દિવસોમાં રેન્જના પાંચેય જિલ્લાઓમાં ગુનેગારો સામે કડક કાર્યવાહીની મોટી ઝુંબેશ છેડવામાં આવે તેવા સ્પષ્ટ સંકેતો આ મુલાકાત પરથી મળી રહ્યા છે.

(9:21 PM IST)