News of Thursday, 12th March 2026
ભાવનગર રેંજના આઈજીપી ગૌતમ પરમારની બદલી : પોલીસ હેડક્વાર્ટર ખાતે ભાવસભર વિદાય સમારંભ યોજાયો
ગૌતમ પરમાર હવે ગાંધીનગરમાં મહત્વની જવાબદારી સંભાળશે:વિદાય પ્રસંગે કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમના શિસ્તબદ્ધ અને કાર્યદક્ષ કાર્યકાળને બિરદાવ્યો

ભાવનગર રેંજના આઈજીપી ગૌતમ પરમારની સીઆઈડી ક્રાઈમ (ગાંધીનગર) ખાતે બદલી થતા ગતરોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે ભાવસભર વિદાય સમારંભ યોજાયો હતો. રાજ્ય પોલીસ બેડામાં તાજેતરમાં થયેલી ઉચ્ચ અધિકારીઓની બદલીના ભાગરૂપે ગૌતમ પરમાર હવે ગાંધીનગરમાં મહત્વની જવાબદારી સંભાળશે. વિદાય પ્રસંગે કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમના શિસ્તબદ્ધ અને કાર્યદક્ષ કાર્યકાળને બિરદાવ્યો હતો. સમારંભ દરમિયાન જ્યારે 'કભી અલવિદા ના કહેના' ની સુરાવલીઓ રેલાઈ, ત્યારે સમગ્ર માહોલ ગમગીન બની ગયો હતો અને શિસ્તબદ્ધ ગણાતા આઈજીપી પણ ભાવુક થતા જોવા મળ્યા હતા.
વહીવટી અને ફિલ્ડ વર્ક પર મજબૂત પકડ ધરાવતા ગૌતમ પરમારને કચેરીના પટાંગણમાં ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાવનગર રેંજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે, જેનો સ્વીકાર ઉપસ્થિત અધિકારીઓએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કર્યો હતો. અંતે, તેમની વિદાય વેળાએ કર્મચારીઓએ કાર પર પુષ્પવર્ષા કરી હતી. આ પ્રકારની વિદાય માત્ર એક વહીવટી પ્રક્રિયા નહીં, પરંતુ એક ઉચ્ચ અધિકારી પ્રત્યેના આદર અને સ્નેહનું પ્રતીક બની રહી હતી.
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
