News of Thursday, 12th March 2026
સૌરાષ્ટ્રમાં પ્રથમ ઘટનાઃ ૧૫ દિ' પહેલા બનેલ સીસી રોડ તોડીને ફરીથી બનાવવાનો આદેશ
ધોરાજીમાં નબળા રોડની કામગીરી અને ભ્રષ્ટાચારની પોલ છતી થતા તંત્ર દ્વારા કવાયતઃ કોન્ટ્રાકટરને સૂચના

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧૨: ધોરાજીમાં નબળા રોડની કામગીરી અને ભ્રષ્ટાચારની પોલ છતી થતા તંત્ર દ્વારા ફરીથી રોડ ખોદી નવો રોડ શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે.
નવો બનેલો ગેલેક્સી ચોકથી જમનાવડ રોડ તરફ જતો સિમેન્ટ રોડ નવો નકોર રોડ તૂટી જતા અને તિરાડો દેખાવા લાગતા નબળા કામગીરીની પોલ જનતા સમક્ષ ખુલવા પામી હતી. જેને લઇ જાગળત નાગરિકો અને અખબારો દ્વારા નબળી કામગીરી ઉજાગર કરવામાં આવી હતી આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ નબળી કામગીરીની પોલ છતી કરી ફરીથી કામ નવેસરથી કરવામાં નહીં આવે તો કાયદો હાથમાં લઇ જાતે જ રોડ ખોદી નાખવાની ચીમકી આપી હતી.
લોટ પાણીને લાકડા અને ભ્રષ્ટાચાર થયો હોય તેવો લોકોનો આક્ષેપ તંત્ર સામે સ્પષ્ટપણે થઈ રહ્યો છે અખબારોમાં નબળા રોડના અહેવાલો પ્રસિદ્ધ થતા તેમજ વિપક્ષના નેતાની ચીમકીને લઈ માર્ગ મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને ક્ષતિ ગ્રસ્ત રોડ ખોદીને ફરીથી બનાવવાની સૂચના આપવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી દ્વારા રોડને ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી બરનવાલ એ મીડિયા ને જણાવ્યું હતું કે હોસ્પિટલ પાસે ન ૧૮૨ મીટર નો સિમેન્ટ રોડ લોકાર્પણ થાય તે પૂર્વે રાહદારીઓએ વાપરવાનું શરૂ કરતાં રોડ ડેમેજ થવા પામ્યો છે. જેથી ૧૮૨ મીટર નો રોડ જે અંદાજે આઠ લાખના ખર્ચે બનેલો છે તેને ફરીથી બનાવવા માટે કોન્ટ્રાક્ટરને સુચના અપાયેલ છે.
બીજી તરફ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ જણાવેલ હતું કે આખો રોડ નબળો બનાવવામાં આવ્યો છે જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ અગાઉ પણ જુનાગઢ રોડ પર ડામર રોડની નબળી કામગીરીની પોલ છતી થતા વર્તમાન ધારાસભ્ય મીડિયા સમક્ષ જણાવેલ કે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવશે જોકે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની બદલે ધોરાજી શહેરમાંથી પસાર થતાં નવા સિમેન્ટ રોડ નું કામ પણ ફરી એ જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે અને તેમણે જૂનાગઢ રોડ બાદ ફરી બીજી વખત શહેરની વચ્ચે બનતા સિમેન્ટ રોડમાં પણ નબળી કામગીરી કરી છે ત્યારે શાસક પક્ષ અને વર્તમાન ધારાસભ્ય આવા કોન્ટ્રાક્ટરને શા માટે છાવરે છે તે સવાલ ઉભો થઈ રહ્યો છે.
ધોરાજીમાં રોડ રસ્તાને લઇ હમેશા વિવાદો ઉઠતા રહે છે અગાઉ જેતપુર રોડમાં પણ રોડ રસ્તાની નબળી કામગીરી થઈ હોય ફરેણી રોડ પર સ્થાનિકોએ રોડ રસ્તા ને લઇ આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ જૂનાગઢ રોડ અને હવે ધોરાજી શહેરમાંથી પસાર થતાં સિમેન્ટ રોડ પર નબળી કામગીરીની પોલ છતી થતા ફરી રોડને ખોદી નવો રોડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે ત્યારે એટલું સમજી શકાય કે રોડ રસ્તા મામલે તંત્ર દ્વારા ચોક્કસ દેખરેખ રાખવામાં આવતી નથી જેને લઇ પ્રજામાં રોડ રસ્તા મામલે આક્રોશ દેખાઈ રહ્યો છે.
સામાજિક યુવા અગ્રણી ભરતભાઈ મુછડીયાએ જણાવેલ કે ધોરાજી શહેરમાં જમનાવડ રોડ ઉપલેટા રોડ અને ગેલેક્સી ચોક પોસ્ટ ઓફિસ રોડ આ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્ટેટ હાઇવે સિમેન્ટ રોડ નું કામ થઈ રહ્યું છે તેમ જ અમુક રસ્તા નું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે જે કામની સમગ્ર ધોરાજી એ ગંભીરતા લઈને નોંધ લીધી હતી કે કોન્ટ્રાક્ટર દ્વારા નબળું કામ થઈ રહ્યું છે જેની અમારી પાસે ફરિયાદો આવતા અમોએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી જે બાબતે અખબારો દ્વારા જે પ્રકારનો અમોને ન્યાય આપ્યો અને અખબારી અહેવાલનો પડઘો પડી ગયો ત્યારે આજે માર્ગ અને મકાન વિભાગના અધિકારી દ્વારા જે પ્રકારે કોન્ટ્રાક્ટરને સૂચના આપીને માત્ર ગેલેક્સી ચોક વિસ્તારનો ૮ લાખમાં બનેલો જે સીમેટ રોડ છે તેને તોડીને નવેસરથી બનાવવાનો આદેશ કર્યો છે પરંતુ ઉપલેટા રોડ અને જમનાવડ રોડનું કામ થયું છે તેમાં પણ નબળું કામ થયું છે તેનું શું....? આ બાબતે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીરતા લઈને નબળા કામ કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી માગણી છે
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
