<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

અસ્‍મિતા-મોૈલિકતાને ચંદ્રની જેમ ફેલાવે તે ઝવેરચંદ મેઘાણીઃ પૂ.મોરારીબાપુ

બગસરામાં આયોજીત ‘માનસ મેઘાણી' શ્રી રામકથાનો આજે છઠ્ઠો દિવસઃ દરરોજ મોટી સંખ્‍યામાં ઉમટતા શ્રોતાજનો

રાજકોટ, તા.૧૨: મેઘાણીભૂમિ-બગસરાના વાયુમંડળમાં રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની દિવ્‍ય ચેતનાને   સમર્પિત પ્રિય પૂ. મોરારીબાપુની રામકથા ‘‘માનસ મેઘાણી'' ના પાંચમાં દિવસે-ગઇકાલે-કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ સોૈ કથાપ્રેમી- રામપ્રેમીને ભાવથી ‘જયસિયારામ' સાથે કહ્યું હતું કે- આપ સોૈતરફથી વ્‍યાસપીઠને ધણી જિજ્ઞાસાઓ લખાઇને આવે છે. એ સોૈના જવાબો મારી સમજ અને સમય મુજબ આપવાનો હું પ્રયત્‍ન કરૂ છું પણ તમારા બધાજ પ્રશ્નો કે જિજ્ઞાસાઓના મારી પાસે જવાબ હોય એવુ ન માનશો. આજે એક ચિઠ્ઠી મળી છે. ગામડાની બહેનોએ લખ્‍યું છે. બાપુ, અને હામાપરની બાજુના ગામડામાંથી રોજ કથામાં આવીએ છીએ. અમને લખતા નથી આવડતું પણ અમારા ગામની શિક્ષિકા બહેન પાસે આ ચિઠ્ઠી લખાવી છે. તો બાપુ અમારે દેહને શું ગણવો? ચિત્તને કેમ મસમજવું? અને અંહકારની સાથે કેમ જીવવું? એ અમને કહો-જવાબઃ મારી બહેનો-દિકરીઓ શરીરને સાચવજો બાપા દેહને દેવ માનજો, દેહરૂપી દેવની રોજપૂજા કરવી. તમે દેવારિકા મંદિર તો ગયા હશો. ત્‍યાંના બ્રાહ્મણ-પૂજારી ઠાકોરજીને શણગાર કરે પછી ઠાકોરજી સામે અરિસો ધરે છે. એટલે ઠાકોરજીને શણગાર કર્યા પછી એ કેવા રૂપાળા દેખાય છે. અરિસો બતાવી ને પછી અરીસો પોતાની છાતીએ ચાંપે છે. તો આ શરીર-દેહ ખૂબ સાચવવું: મનુસ્‍ય શરીર દુર્લભ છે એમ ભગવતગીતામાં કહેવાયું છે.

 પુ.મોરારીબાપુએ વધુમાં કહયુ કે, ઝવેરચંદ મેઘાણીને ચંદ્ર ખુબપ્રિય છે. એમના નામમાં પણ ‘ચંદ' શબ્‍દ છે જ. ઝવેરચંદ એટલે પોતાના ઝવેરને પોતાની જજબાને પોતાની અસ્‍મિતાને, પોતાની મોૈલિકતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવે એનુ નામ ઝવેરચંદ મેઘાણી. મેઘાણીભાઇએ ચરિત્રો ખૂબ લખ્‍યા છે. સંતો, મહંતો, સાધુ, બહારવટીયાઓના એ એમણે ચરિત્ર નિર્માણનું ચરિત્રસર્જનનું બહુ મોટુ કામ કર્યુ છે. મેઘાણીભાઇ બહારવટીયાઓ વિશે લખે છે કે બારવટીયા કેમ બને છે? તો મેઘાણી ત્રણ મહત્‍વના કારણો  આપે છે (૧)ભૂમિપતિઓના ત્રાસને કારણે એ લોકો ગરીબ માણસોની જમીન પચાવી પાડી અને વધુને વધુ જમીન પોતાની કરે છે. પરીણામે એ ભૂમિ પતિઓના ત્રાસ માંથી બારવટીયા જન્‍મે છે. (૨) વ્‍યાજખોર ને કારણે... વ્‍યાજનું વ્‍યાજ, અભણ-ગરીબ લોકો પાસેથી આ વ્‍યાજખોરો શોષણ કરે છે. એને કારણે બારવટીયા બને છે (૩) પોતાના પાપને કારણે, ખોટું ખાવાથી ખોટું પીવાથી જે પાપને માર્ગે ચાલે છે એ બારવટીયાબને છે. (-મનોજ જોશી ‘‘ મજો'' રાજકોટ મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫, ૮૧૪૦૨ ૧૩૧૩૦)

હનુમાનજીના ચરણોમાં વિશ્વકપ ધર્યો એ ખૂબ સારી ઘટના

(3:35 PM IST)