<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

સણોસરામાં શ્રી રામજી મંદિર નવનિર્માણ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય ભવ્ય મહોત્સવ: ગોહિલવાડના આંગણે ભક્તિનો ત્રિવેણી સંગમ

રવિવારે મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં વિશાળ ધર્મસભા અને સંત સંમેલન યોજાશે; શુક્રવારથી રવિવાર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને પ્રતિષ્ઠા વિધિથી ગુંજી ઉઠશે સણોસરા

ઈશ્વરિયા (અહેવાલ - મુકેશ પંડિત) : ગોહિલવાડના સણોસરા ગામમાં નવનિર્મિત ભવ્ય શ્રી રામજી મંદિરના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુક્રવારથી ભક્તિભાવપૂર્વક પ્રારંભ થઈ રહ્યો છે. આ ત્રિદિવસીય મહોત્સવ તા.૧૩ માર્ચ થી ૧૫ માર્ચ દરમિયાન આસ્થા અને ઉમંગ સાથે ઉજવવામાં આવશે, જેમાં સમગ્ર પંથકમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.
ધર્મસભામાં મોરારિબાપુ આપશે હાજરી
મહોત્સવના અંતિમ દિવસે એટલે કે રવિવારે બપોરે એક ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મસભામાં વિશ્વવિખ્યાત રામાયણી કથાકાર મોરારિબાપુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને વ્યાસપીઠ પરથી આશીર્વચન પાઠવશે. તેમની સાથે અનેક વિદ્વાન સંતો અને મહંતો પણ આ ધર્મસભામાં સહભાગી થઈ ભક્તોને ધર્મલાભ આપશે.
સંતો-મહંતોની ગરિમામય ઉપસ્થિતિ
આ પાવન પ્રસંગે વિવિધ મઠ-આશ્રમોના સંતો-મહંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે. જેમાં નિરુદેવાચાર્યજી મહારાજ, કણિરામબાપુ, સ્વરૂપાનંદજી સ્વામી, રવુબાપુ, સંતદાસબાપુ, કાળુબાપુ, જિણારામબાપુ, જેરામદાસબાપુ, જયદેવશરણજી મહારાજ, બાબુરામ ભગત, મહાવીરબાપુ, ઘુઘજી મહારાજ, ઉપેન્દ્રદાસબાપુ, ભૂપતભાઈ સોની, શૈલેષગીરીબાપુ, સુરેશગીરીબાપુ, ગજુપરીબાપુ, ઘનશ્યામદાદા અને હરજીવનદાસ દુધરેજિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી મહોત્સવની શોભા વધારશે.
શાસ્ત્રોક્ત વિધિ અને આયોજન
મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાની મુખ્ય વિધિ અલ્પેશભાઈ પાઠકના આચાર્યપદે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સંપન્ન થશે. આ નવનિર્મિત મંદિર સણોસરાના સ્થાપત્ય અને શ્રદ્ધાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. સમસ્ત સણોસરા ગામ પરિવાર દ્વારા આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ
સણોસરાના અગ્રણીઓના સંકલન હેઠળ કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. મંદિરના નવનિર્માણ અને મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે ઉત્સાહ અને આનંદની લહેર જોવા મળી રહી છે. ત્રણેય દિવસ દરમિયાન ભોજન-પ્રસાદ અને દર્શનની વ્યવસ્થા સુંદર રીતે જળવાય તે માટે ગ્રામજનો દ્વારા સુચારુ આયોજન કરાયું છે.

(8:28 PM IST)