News of Saturday, 14th March 2026
કચ્છના ખાંભલા ગામે ઓનર કિલિંગ દ્વારા પિતાએ દીકરી અને પ્રેમીની કરી હત્યાઃ અલગ નહીં થવાની જિદ્દ પે્રમી યુગલ માટે ભારે પડી
ફિલ્મી ‘દ્રશ્યમ'ની જેમ દીકરી નાથી ઉર્ફે સોનુ વંકાભાઈ ગુમ થઈ હોવાનો ખેલ સર્જ્યો પણ ૩૯ દિવસે બેવડી હત્યાના ખુલેલા ભેદે સર્જી ચકચારઃ નવીન રબારી સાથે પુત્રી ભાગી જતા પિતા વંકાભાઈ રબારી અને તેના ભાણેજ પબા રબારીએ બંને પ્રેમી યુગલને મોતને ઘાટ ઉતારીને મળતદેહો કૂવામાં ફેંકી દીધા'તા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૪: નખત્રાણા તાલુકામાં ખાંભલા ગામ નજીક બનેલી યુવક-યુવતીના ગુમ થવાની ઘટનામાં ઓનર કિલિંગનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોતાના સંતાનના પ્રેમ પ્રકરણ કે લગ્નથી નારાજ પરિવારજનો દ્વારા પ્રેમી પ્રેમિકાની હત્યા કરવાના ઓનર કિલિંગના બનાવ આઘાતજનક છે. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ગુમશુદા ફરિયાદની તપાસ દરમિયાન યુવતીના પિતા અને તેના ભાણેજે જ યુવક-યુવતીની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધાની કબૂલાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, નવીન જીવાભાઈ રબારી (ઉ.વ.૨૧) રહે. અંગિયા નાના તથા નાથી ઉર્ફે સોનુ વંકાભાઈ પન્નાભાઈ રબારી (ઉ.વ.૧૯) રહે. ખાંભલા તા.૩ ફેબ્રુઆરી ના રોજ કોટડા (જ.) ગામ પાસેથી ગુમ થયા હતા. આ મામલે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ હાથ ધરાઈ હતી. હત્યા કર્યા બાદ પોલીસને ગેર માર્ગે દોરવા ખુદ યુવતીના પિતાએ પોતાની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ લખાવી હતી. તપાસ દરમિયાન નાથી ઉર્ફે સોનુના પિતા વંકાભાઈ પન્નાભાઈ રબારી અને તેના ભાણેજ પબા ગાભાભાઈ રબારીને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસની સઘન પૂછપરછ અને વિશ્વાસમાં લઈ વાત કરતાં બન્નેએ ચોંકાવનારી કબૂલાત કરી હતી.
કબૂલાત મુજબ, તા.૩ ની રાત્રે નાથી ઉર્ફે સોનુ ઘરે પરત ન આવતા તેની શોધખોળ કરતા તે નવીન રબારી સાથે કોટડા (જ.) ગામે મળી આવી હતી.તેને ઘરે આવવા માટે સમજાવતાં પણ તે તૈયાર ન થતાં બન્નેએ ગુસ્સામાં આવી બંનેને મોટરસાયકલ પર બેસાડી ખાંભલા ગામ તરફ જતા રસ્તા પર લઈ જઈ ગળું દબાવી હત્યા કરી હતી. બાદમાં બંને મળતદેહોને નજીકના એક કૂવામાં ફેંકી દીધા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ, ફાયર બ્રિગેડ,એફ.એસ.એલ. ટીમ,મેડિકલ સ્ટાફ, સરકારી પંચો અને વીડિયોગ્રાફરની હાજરીમાં હાઈડ્રોલિક ક્રેનની મદદથી બંને લાશોને શુક્રવારે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. નાયબ કલેક્ટર નખત્રાણાની હાજરીમાં ઇન્ક્વેસ્ટ પંચનામું કરી લાશોને પોસ્ટમોર્ટમ માટે નખત્રાણા સરકારી હોસ્પિટલ મોકલવામાં આવી હતી.આ બનાવ અંગે ફરીયાદ નોંધી અને બંને આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લેવામા આવ્યા છે.
નખત્રાણા પોલીસ દ્વારા ખાંભલા ગામે બનેલા આ ડબલ મર્ડરનો ભેદ ઉકેલાતા જિલ્લામાં ઓનર કિલિંગના આ કેસ અંગે ચકચાર મચી ગઈ છે. જો કે એક મહિના કરતા વધુ સમય પહેલા બનેલા બનાવમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે પુત્રીના પ્રેમથી નારાજ પિતાએજ પુત્રી અને તેના પ્રેમીની નિર્મમ હત્યા કરી લાશ કુવામા ફેકી હતી એક મહિના જુના મામલામા આરોપીની કબૂલાત બાદ લાશને કાઢવા માટેની કવાયત શરૂ કરાતા મોટી સંખ્યામા લોકો એકઠા થયા હતા. નખત્રાણા સહિત સમગ્ર કચ્છમા બેવડી હત્યાના આ હિચકારા મામલાથી અરેરાટી સર્જાઈ છે. પ્રેમી યુવકથી અલગ ન થવાની પુત્રીની જીદ્દથી નારાજ પિતાએ ભાણેજ સાથે મળી આ ચકચારી હત્યાને ઠંડા કલેજે અંજામ આપ્યો હતો અને લાંબા સમય સુધી મામલો દબાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ અંતે પોલીસે ગહન તપાસ પછી યુવતીના પિતા અને ભાણેજને અટકમાં લઈ ઝડપ્યા બાદ આ બેવડી હત્યાની સીલસીલા બંધ વધુ સ્ફોટક વિગતો જાહેર થઈ હતી.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
