News of Saturday, 14th March 2026
ખર્ચાળ લગ્નોને તિલાંજલિ આપી, શિક્ષણ અને સાદગીના માર્ગે સમાજને નવી દિશા ચીંધતું ચોટીલા
રામેશ્વર આશ્રમ દ્વારા ભવ્ય ‘સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ' સંપન્નઃ ૧૧ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાઃ મહામંડલેશ્વર, જિલ્લા પોલીસવડા અને ડેપ્યુટી કલેકટર સહિતના મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૧૪: ચોટીલા ખાતે ધાર્મિક અને સામાજિક ચેતનાના સંગમ સમાન એક ભવ્ય આયોજનમાં ૧૧ નવદંપતીઓએ પ્રભુતામાં મંગલ પગરવ માંડ્યા હતા. રામેશ્વર આશ્રમ અને પાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રથમવાર આયોજિત આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યો હતો.
પોલીસ સર્કિટ હાઉસ પાસે યોજાયેલા આ મહોત્સવની વિશેષતા એ હતી કે આયોજકો દ્વારા તમામ દીકરા-દીકરીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો હતો. દીકરીઓને ભવિષ્યમાં ઉપયોગી થાય તેવો જાજરમાન કરિયાવર વિવિધ સમાજના દાતાઓ દ્વારા ભેટ સ્વરૂપે અપાયો હતો. જાનૈયાઓ અને મહેમાનો માટે ભવ્ય ભોજન સમારોહનું પણ સુંદર આયોજન કરાયું હતું.
સંતો અને વહીવટી અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાતના નામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર મહેન્દ્રાનંદાગીરીજી, રામેશ્વર આશ્રમ ના મહંત અરજણગીરી બાપુ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ચોટીલા પ્રાત અધિકારી એચ. ટી. મકવાણા, નાયબ નિયામક, અનુ જાતિ કલ્યાણના કે. એફ઼ મકવાણા, ઉપરાંત વિવિધ ધાર્મિક સ્થાનોના સાધુ-સંતો અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી પ્રસંગને દીપાવ્યો હતો.
આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે પાર્થ એજ્યુકેશન ટ્રસ્ટના જગદીશભાઈ સોલંકી, રમેશભાઈ અને તેમની યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આયોજનની સફળતાને ચોટીલા પંથકના લોકોએ બિરદાવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને સંતોએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં લગ્નો પાછળ થતા દેખાદેખીના ખોટા ખર્ચાઓ ટાળવા જોઈએ. સમાજે આવા સમૂહ લગ્નોના આયોજન દ્વારા બચત કરી, એ નાણાં યુવા પેઢીના ઉચ્ચ શિક્ષણ પાછળ વાપરવા જોઈએ જેથી સમાજનું સાચું ઉત્થાન થઈ શકે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
