News of Saturday, 14th March 2026
માધવપુરના મેળાની તૈયારીઓઃ સોમવારે ચકડોળના પ્લોટની હરરાજી
ચૈત્રી માસમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે પરંપરાગત ૫ દિવસનો રાષ્ટ્રીય કક્ષાનો મેળો : ભાતીગળ મેળામાં ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોની કલા-સંસ્કૃતિનું મિલનઃ રાજકીય તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પધારશે

માધવરાયજી અને રૂક્ષમણીજી
માધવપુરના મેળા અંગે કલેક્ટર એસ.ડી.ધાનાણીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકની તસ્વીર
પોરબંદરપતા.૧૪: દેશ-વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત માધવપુર (ઘેડ)માં ચૈત્રી માસમાં યોજાતો પરંપરાગત ભાતીગળ મેળાની તૈયારી શરૂ થઈ છે. માધવપુરના મેળાના આયોજન માટે કલેક્ટર એસ.ધારાણીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.
માધવપુરના મેળા ગ્રાઉન્ડ ખાતે મનોરંજન અને ચકડોળ વિભાગ ખાતે પ્લોટની હરરાજી ૧૬મીએ સોમવારે થનાર છે.
ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા માધવપુર ઘેડના મેળાને સુચારૂ રીતે યોજાઈ તે માટે જિલ્લા કલેક્ટર કચેરી પોરબંદર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરક્ષા અને વ્યવસ્થાપનના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા શ્રી બી. યુ. જાડેજાએ વિગતવાર એક્શન પ્લાન રજૂ કર્યો હતો. જેમાં ખાસ કરીને ટ્રાફિક ન થાય તે ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા, વાહનોના ડાયવર્ઝન, વિશાળ પાર્કિગ સુવિધા અને હેલિપેડની સજ્જતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મેળાના મેદાનમાં ભીડને નિયંત્રિત કરવા માટે બેરિકેટિગ અને હોલ્ડિંગ એરિયાના આયોજન સાથે સમગ્ર વિસ્તાર સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં અંગે સૂચન કર્યું હતું.
આ ઉપરાંત, પાયાની સુવિધાઓ જેવી કે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો અને લાઈટિગ, નાણાં વ્યવસ્થાપન, ઈમરજન્સી આરોગ્ય સેવાઓ માટે સંબંધિત વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. મેળા દરમિયાન સ્વચ્છતા જળવાય અને આરોગ્યની ટીમ ખડેપગે રહે તે માટેનું માળખું પણ આ બેઠકમાં તૈયાર રાખવા બેઠકમાં સૂચન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, જિલ્લા આયોજન અધિકારી જે.સી. ઠાકોર, ડીવાયએસપી ધ્રુવલ સુતરીયા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ. વાઘાણી સહિતનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માધવપુર(ઘેડ) ખાતે પરંપરાગત રીતે ઉજવાતા શ્રી રૂક્ષ્મણીજીમાધવપ્રભુના વિવાહ પ્રસંગે યોજાતો માધવપુર લોકમેળો૨૦૨૬ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી યોજાવાનો છે.
માધવપુરનો મેળો હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લોકપ્રિય બનતા ગુજરાતભરના વેપારીઓ માટે વેપાર અને રોજગારીની ઉત્તમ તક ઊભી થઈ છે. આ મેળામાં મનોરંજન અને ચકડોળ વિભાગ માટેના પ્લોટની જાહેર હરરાજી તા.૧૬ (સોમવાર)ના રોજ બપોરે ૧૨ કલાકે નવી ગ્રામ પંચાયત, મેળા ગ્રાઉન્ડ, માધવપુર ખાતે યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાતભરના વેપારીઓને આ હરરાજીમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.
મનોરંજન અને ચકડોળ વિભાગની સાઈઝ અને અપસેટ પ્રાઈઝ સહિતની વધુ માહિતી માટે તાલુકા વિકાસ અધિકારીશ્રી, પોરબંદર (મો.૯૯૭૯૩ ૬૩૨૨૫) અથવા તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામ પંચાયત કચેરી, માધવપુર (મો.૯૫૩૭૮ ૭૧૫૭૧/ ૯૯૭૮૬ ૭૬૪૬૫) પર સંપર્ક કરવા જણાવાયું છે. અને મનોરંજન અને ચકડોળ વિભાગના પ્લોટની જાહેર હરરાજીની કાર્યવાહી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ બાબતે અંતિમ નિર્ણય સમિતિનો રહેશે તેમ તંત્રની યાદીમાં જણાવાયું છે
પરેશ પારેખ
પોરબંદર
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
