<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

મોરબી સબજેલમાં જેલ સ્ટાફની સતર્કતાથી મોબાઈલ ઘુસાડવાનું કાવતરું નિષ્ફળ: સિપાઈ દિનેશભાઈ મીઠાપરાએ દિવાલ કૂદવીને ફેંકાયેલું શંકાસ્પદ પોટલું ઝડપી પાડ્યું

ઇન્ચાર્જ જેલરની હાજરીમાં તપાસ કરતા લાવા કંપનીનો ફોન, તમાકુના મસાલા અને બીડી મળી આવ્યા; પીએસઆઈ સી.એમ. કરકરે અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા

ટંકારા (જયેશ ભટાસાણા દ્વારા):મોરબીની સબજેલમાં સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેલ સ્ટાફની સતર્કતાના પરિણામે જેલની અંદર પ્રતિબંધિત વસ્તુઓ અને મોબાઈલ ફોન પહોંચાડવાનું મોટું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. જેલની બહારથી ફેંકવામાં આવેલું પોટલું મળી આવતા મોરબી 'એ' ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે.
કોટપાળી રાઉન્ડ દરમિયાન પોટલું મળ્યું
ઘટનાની વિગતો મુજબ, આજે સવારે જ્યારે જેલના સિપાઈ દિનેશભાઈ આર. મીઠાપરા જેલ ઓપનિંગ સમયે 'કોટપાળી' રાઉન્ડ પર હતા, ત્યારે તેમની નજર યાર્ડ નંબર-૧ના જનરલ ટોયલેટ પાછળ અને બેરેક નંબર-૧ પાસે પડેલા એક કાળા કલરના પ્લાસ્ટિકના ઝબલા પર પડી હતી. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે, જેલની બાજુમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશન વાળા રોડ પરથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ પોટલું જેલની અંદર ફેંકવામાં આવ્યું હતું.
તપાસમાં મોબાઈલ અને નશીલી વસ્તુઓ મળી
શંકાસ્પદ ઝબલું મળી આવતા તુરંત જ ઇન્ચાર્જ જેલર અને અધિક્ષકની હાજરીમાં તેનું પંચ રૂબરૂ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન પોટલામાંથી નીચે મુજબની વસ્તુઓ મળી આવી હતી:
 * ૦૧ નંગ લાવા કંપનીનો કીપેડ મોબાઈલ (જેને સેલોટેપ અને રૂમાં સુરક્ષિત રીતે પેક કરવામાં આવ્યો હતો).
 * ૦૪ નંગ તમાકુવાળા મસાલા.
 * ૦૧ બીડીની જૂડી.
 * ૦૧ ચૂનાની ટોટી.
નોંધનીય છે કે જપ્ત કરાયેલા મોબાઈલ ફોનમાંથી સિમકાર્ડ મળી આવ્યું નથી, પરંતુ બેટરી સાથેનો આ ફોન કોઈ કેદી સુધી પહોંચાડવાનો સ્પષ્ટ મકસદ જણાઈ રહ્યો છે.
જેલ પ્રશાસન એલર્ટ, તપાસ તેજ
મોરબી સબજેલમાં છેલ્લા કેટલાક સમયથી પ્રતિબંધિત વસ્તુઓ મળવાની ઘટનાઓ વધી રહી છે. હજુ પોણા મહિના પહેલા જ અમદાવાદની જડતી સ્ક્વોર્ડ દ્વારા બેરેક નં. ૪ અને ૬ માંથી બે મોબાઈલ ઝડપી પાડવામાં આવ્યા હતા, જેની તપાસ હજુ ચાલુ છે. આ નવી ઘટનાને પગલે જેલ પ્રશાસન વધુ એલર્ટ બન્યું છે.
હાલમાં આ મામલે પીએસઆઈ સી.એમ. કરકર દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. જેલની બહારથી આ પોટલું કોણે ફેંક્યું અને જેલની અંદર કયા કેદી સાથે આ કડી જોડાયેલી છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

(7:03 PM IST)