<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

કચ્છના રણમાં 'આગ' વરસતી ગરમી: અમદાવાદની જેમ શાળાઓમાં વહેલી રજા ક્યારે? ભૂલકાઓના સ્વાસ્થ્યને લઈ વાલીઓમાં ભારે રોષ

રણની લૂ અને આકરા તાપમાં માઈલો સુધી ચાલીને જતા બાળકોની સુરક્ષા રામભરોસે; અમદાવાદ શિક્ષણ વિભાગના મોડેલને કચ્છમાં લાગુ કરવા ઉગ્ર માંગ.

મુંદરા (કચ્છ) : સમગ્ર ગુજરાતમાં સૂર્યનારાયણ આકરા પાણીએ થયા છે, ત્યારે ખાસ કરીને સરહદી અને રણ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં સ્થિતિ વધુ ગંભીર બની છે. તાજેતરમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ગરમીથી બાળકોને બચાવવા માટે બપોરે ૧૨ વાગ્યા બાદ શાળાઓ બંધ રાખવાનો માનવતાવાદી નિર્ણય લીધો છે. ત્યારે હવે કચ્છના વાલીઓ અને જાગૃત નાગરિકોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે – "અમદાવાદ જાગ્યું, કચ્છનું તંત્ર ક્યારે જાગશે?"
કચ્છની ભૌગોલિક સ્થિતિ અન્ય જિલ્લાઓ કરતા તદ્દન અલગ અને કઠિન છે. અહીં અમદાવાદ કરતા પણ વધુ તાપમાન નોંધાય છે. ખાસ કરીને કચ્છના વાંઢ અને વાડી વિસ્તારોમાં રહેતા બાળકો માઈલો સુધી ખુલ્લા પગે અથવા ખુલ્લા વાહનોમાં શાળાએ જાય છે. બપોરના સમયે રણની ગરમ હવા (લૂ) ફેંકાતી હોવાથી નાના ભૂલકાઓ લૂ લાગવાનો કે ડિહાઈડ્રેશનનો ભોગ બને તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.
દુર્ઘટનાની રાહ જોતું તંત્ર?
કચ્છના છેવાડાના વિસ્તારોમાં પરિવહનની સુવિધા ખૂબ જ મર્યાદિત છે. આકરી ગરમીમાં બાળકો જ્યારે ઘરે પરત ફરે છે, ત્યારે રસ્તામાં કોઈ પણ મોટી દુર્ઘટના ઘટવાની શક્યતા નકારી શકાતી નથી. વાલીઓની માંગ છે કે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક ધોરણે અમદાવાદના મોડેલને અનુસરીને શાળાનો સમય સવારનો કરી દેવો જોઈએ અથવા બપોરે ૧૨ વાગ્યા પહેલા શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી દેવું જોઈએ.
હાલ સોશિયલ મીડિયા અને લોકચર્ચાઓમાં તંત્રની ઉદાસીનતા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું કચ્છનું પ્રશાસન કોઈ માસૂમ બાળક ગરમીનો શિકાર બને તેની રાહ જોઈ રહ્યું છે? અમદાવાદની જેમ બાળકોના હિતમાં ત્વરિત નિર્ણય લઈને વાલીઓની ચિંતા દૂર કરવામાં આવે તે સમયની માંગ છે. જો આગામી દિવસોમાં નિર્ણય નહીં લેવાય તો ગરમીના પ્રકોપ વચ્ચે બાળકોને શાળાએ મોકલવા વાલીઓ માટે જોખમી સાબિત થશે.

(7:46 PM IST)