News of Saturday, 14th March 2026
જામનગરમાં ક્રિકેટના આયોજકને વીજ ચોરી ભારે પડી: સીધા લંગર નાખી 38 લાખની વીજળી વાપરી, હવે કોર્ટે ₹1.16 કરોડનો ફટકાર્યો તોતિંગ દંડ!
ઐતિહાસિક ચુકાદો: નાઈટ ટૂર્નામેન્ટમાં ફ્લડ લાઈટ્સ ચલાવવા કરેલી ચોરીમાં રકમ કરતા ત્રણ ગણો દંડ; જો રકમ નહીં ભરે તો એક વર્ષ જેલની હવા ખાવી પડશે.

જામનગર જામનગરમાં વીજ ચોરી કરતા તત્વો માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. ત્રણ વર્ષ જૂના વીજ ચોરીના કેસમાં સ્પેશિયલ કોર્ટે એક એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેનાથી સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટના ઝાકઝમાળ રોશની પાછળ વીજ કંપનીને લાખોનો ચૂનો લગાવનાર આયોજકને હવે કરોડપતિમાંથી રોડપતિ બનવાનો વારો આવ્યો છે. કોર્ટે ચોરીની રકમ કરતા ત્રણ ગણો એટલે કે કુલ ₹૧.૧૬ કરોડનો દંડ ફટકાર્યો છે.
ઘટનાની વિગત મુજબ, આશરે ત્રણ વર્ષ પહેલા જામનગરમાં એક ભવ્ય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમને દૂધ જેવી સફેદ રોશનીથી નવડાવવા માટે મોટી ફ્લડ લાઈટ્સ લગાવવામાં આવી હતી, જેમાં પુષ્કળ વીજળીની જરૂર હતી. આયોજકે કાયદેસરનું મીટર લેવાને બદલે શોર્ટકટ અપનાવ્યો અને વીજ કંપનીની લાઈનમાંથી સીધા લંગર નાખી દીધા. જોકે, વીજ કંપનીના અધિકારીઓએ દરોડો પાડી સ્થળ પરથી અંદાજે ₹૩૮ લાખની વીજ ચોરી પકડી પાડી હતી.
કોર્ટનો કડક આદેશ અને સજાની જોગવાઈ
આ મામલે ચાલેલી લાંબી કાનૂની લડત બાદ સ્પેશિયલ કોર્ટે આયોજકને કસૂરવાર ઠેરવ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જાહેર મિલકતની ચોરી એ ગંભીર અપરાધ છે. કોર્ટે નીચે મુજબના આકરા આદેશો આપ્યા છે:
• દંડની રકમ: પકડાયેલી ચોરીની રકમ કરતા ત્રણ ગણો એટલે કે ₹૧,૧૬,૦૦,૦૦૦ ભરવા પડશે.
• જેલની સજા: જો આયોજક આ રકમ ભરવામાં નિષ્ફળ જશે, તો તેમણે વધારાની એક વર્ષની સજા ભોગવવી પડશે.
વીજ ચોરો માટે ચેતવણીરૂપ કિસ્સો
રાજ્યમાં વીજ ચોરી અટકાવવા માટે તંત્ર અત્યારે સજ્જ છે ત્યારે આટલી મોટી રકમનો દંડ ફટકારવાની આ ઘટના ઉદાહરણરૂપ બની છે. નિષ્ણાતોના મતે, આ ચુકાદો ભવિષ્યમાં જાહેર કાર્યક્રમોમાં ગેરકાયદે વીજ જોડાણો લેતા લોકો માટે મોટી શીખ સમાન છે. જામનગરના આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે વીજ કંપનીની આંખમાં ધૂળ નાખવી હવે મોંઘી જ નહીં, પણ જેલના સળિયા પાછળ ધકેલી દેનારી સાબિત થઈ શકે છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
