News of Sunday, 15th March 2026
સૌની યોજના હેઠળ દ્વારકા જિલ્લાના ગામોમાં નર્મદાનું પાણી પહોંચ્યું: ખેડૂતોમાં ખુશીની લહેર
ઘણા લોકોએ આ પહેલને ખેતી માટે “જીવનદાતા” ગણાવી: આ પાણી પુરવઠાથી ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાના 15થી વધુ ગામોને સીધો ફાયદો થયો છે

અમદાવાદઃ દ્વારકા જિલ્લામાં સૌની (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ) યોજના અંતર્ગત નર્મદાનું પાણી અનેક ગામડાઓ સુધી પહોંચતાં ખેડૂતોમાં રાહત અને ખુશીની લાગણી ફેલાઈ છે. સૌની લિંક-૧ પેકેજ-૫ દ્વારા પાણી છોડવામાં આવતા ખેતી માટે મહત્વપૂર્ણ સહારો મળશે, તેમ સૂત્રોએ જણાવ્યું છે.
મહાદેવિયા, સિંહણ, વડાલિયા, સિંહણ આહિર, વિંજલપર, સિદ્ધપુર અને મોવાન સહિતના ગામોના સ્થાનિક જળાશયો, તળાવો અને નહેરોમાં નર્મદાનું પાણી આવવાનું શરૂ થતાં ખેડૂતો અને ગ્રામજનોમાં આનંદ જોવા મળ્યો હતો. ઘણા લોકોએ આ પહેલને ખેતી માટે “જીવનદાતા” ગણાવી હતી.
આ પાણી પુરવઠાથી ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાના 15થી વધુ ગામોને સીધો ફાયદો થયો છે. નદીઓ, નહેરો, ચેકડેમ અને તળાવો ભરાવા લાગતાં પાણીની સમસ્યા દૂર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધારાસભ્ય મૂળુભાઈ બેરા તથા સ્થાનિક આગેવાનો દ્વારા સિંચાઈ વિભાગ સમક્ષ કરાયેલી રજૂઆતો બાદ પાણી છોડવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી હતી.
જામનગરના ઉંડ જળ સિંચાઈ વિભાગના કાર્યકારી ઇજનેરે જણાવ્યું હતું કે નર્મદાનું પાણી પહેલા આજી-3 ડેમથી ઉંડ-1 ડેમ સુધી પહોંચાડવામાં આવ્યું, ત્યારબાદ તેને પીપરટોડા પંપ હાઉસ સુધી પમ્પ કરવામાં આવ્યું અને ત્યાંથી પમ્પિંગ સ્ટેશનો દ્વારા વિંજલપર સુધી પહોંચાડીને આસપાસના વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું.
સમગ્ર કામગીરી દરમિયાન દ્વારકા જિલ્લામાં અંદાજે 230 એમસીએફટી પાણી છોડવામાં આવ્યું છે, જેના પરિણામે અત્યાર સુધીમાં લગભગ 60 ચેકડેમ અને તળાવો ભરાઈ ચૂક્યા છે, જ્યારે બાકીના જળાશયો ભરવાની કામગીરી ચાલુ છે.
ખેડૂતોના મતે, નર્મદાના પાણીના પ્રવાહથી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે, પશુધનને પાણી મળશે અને આગામી ખેતીની મોસમ માટે પૂરતો જળસંગ્રહ ઉપલબ્ધ બનશે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
