<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

ધ્રોલ ટાઉનમાં પોલીસ અને PGVCLના સંયુક્ત કાફલાના દરોડા: 42 જેટલા લિસ્ટેડ બુટલેગરો અને અસામાજિક તત્વોના રહેણાંક મકાનોમાં હાથ ધરાયું મેગા સર્ચ ઓપરેશન

કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની ટીમોએ ટપોરીઓના સ્થાનો પર ઝીણવટભરી તપાસ કરી કડક કાર્યવાહી કરી; વીજ ચોરી પકડવા PGVCLના અધિકારીઓ ત્રાટકતા ગેરકાયદે કનેક્શનધારકોમાં ફફડાટ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ:ધ્રોલ ટાઉન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે આજે વહેલી સવારથી જ પોલીસ વિભાગ અને PGVCL દ્વારા આકસ્મિક રીતે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સંયુક્ત ટીમો દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને પગલે સ્થાનિક અસામાજિક તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
સંજય ડાંગરના અહેવાલ મુજબ, આ કાર્યવાહીમાં પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા લિસ્ટેડ બુટલેગરો, લુખ્ખા-તત્વો અને ટપોરીઓના રહેણાંક મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અંદાજે 42 જેટલા શંકાસ્પદ અને અસામાજિક ઈસમોના ઘરોમાં પોલીસ કાફલાએ ત્રાટકીને ખૂણેખૂણાની ઝીણવટભરી તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ કડક કાયદેસરના પગલાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ, આ સર્ચ ઓપરેશનમાં જોડાયેલા PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓએ વીજ ચોરી અટકાવવા માટે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ખાસ કરીને અસામાજિક તત્વોના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે લેવામાં આવેલા વીજ કનેક્શનો બાબતે સ્થળ પર જ તપાસ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અને વીજ તંત્રની આ આક્રમક કામગીરીને પગલે વીજચોરો અને ગુંડા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોએ પોલીસની આ કામગીરીને આવકારી છે, જેનાથી આગામી દિવસોમાં ટાઉન વિસ્તારમાં શાંતિ જળવાઈ રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

(9:04 PM IST)