<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

વ્‍યાસપીઠ ઉપર મેઘાણીભાઇની સર્જન કલા, શૌર્ય કથા ઉજાગર થઇઃ પૂ.મોરારીબાપુ

બગસરામાં ‘માનસ મેઘાણી' શ્રી રામકથાનો વિરામઃ મોટી સંખ્‍યામાં ભાવિકોની ઉપસ્‍થિતીઃ હવે ૨૧ મીથી કચ્‍છના માધાપરમાં શ્રી રામકથા

રાજકોટ તા.૧૬: પૂ.મોરારીબાપુના વ્‍યાસાસને બગસરામાં ‘‘માનસ મેઘાણી'' શ્રી રામકથાનું આયોજન કરાયુ હતું. કાલે શ્રીરામકથાનો વિરામ થયો હતો. હવે તા.૨૧ મીથી કચ્‍છના માધાપરમાં પૂ.મોરારીબાપુના વ્‍યાસાસને શ્રીરામકથા યોજાશે.

પૂજ્‍ય મોરારીબાપુના કુલ કથા ક્રમની ૯૭૩મી રામકથાનું બગસરામાં થઇ રહેલું ગાન આજે સંપન્ન થયું.

ઘણાં સમય પહેલાં પૂજ્‍ય બાપુએ ‘‘માનસ મેઘાણી'' શિર્ષક અંતર્ગત કથા કરવાનો મનોરથ કરેલો. મેઘાણીભાઈના પૌત્ર શ્રી પિનાકીભાઈ દાદાજીના જીવન કાર્ય ને વર્તમાન યુગના નવયુવાનો જાણે - સમજે એ માટે નિરંતર મથી રહ્યા છે. એમની ધગશ અને ભાવને કારણે કથાનું રૂડું આયોજન થયું. ગુજરાતના ઙ્કસિદ્ધ લોક ગાયક અભેસિંહ રાઠોડ ખભે ખભો મિલાવીને આરંભથી અંત સુધી એમની સાથે રહ્યા.

બાપુએ મેઘાણી વિશે ગાન કરવા માટે બગસરા પર પસંદગી ઉતારી. બાપુ કહે છે તેમ યોગ, લગન, ગ્રહ, વાર તિથિ એવા સર્જાયા કે ચોટીલા, રાજકોટ, બોટાદ આદિ મેઘાણીભાઈના સ્‍મળતિ સ્‍થાનને બદલે એમના વડવાઓના વતન બગસરાની ભૂમિને મેઘાણીભાઈના જીવન કવનના કથન શ્રવણનો લાભ મળ્‍યો.

 પૂજ્‍ય બાપુના શ્રી મુખેથી ‘‘માનસ મેઘાણી'' શિર્ષક અંતર્ગત, રામ કથાને કેન્‍દ્રમાં રાખીને મેઘાણીભાઈની સર્જન કલા, પત્રકારત્‍વ, દેશભક્‍તિ, એમના લોકગીતો, શૌર્ય કથાઓ, લોકકથાઓ વગેરે પાસાંઓ વ્‍યાસપીઠ પરથી ઉજાગર થયાં.

કથાના બીજા દિવસે સંધ્‍યા સમયે અભેસિંહભાઈ, ભારતીબહેન વ્‍યાસ અને રાધાબેન વ્‍યાસે મેઘાણીભાઈ રચિત લોક ગીતોની રમઝટ બોલાવી. આઠમા દિવસે સાંયકાલીન કાર્યક્રમમાં લોક સાહિત્‍યના મર્મી શ્રી રૂપાલાસાહેબ, વિદ્વાન વક્‍તા અને કવિ શ્રી વિનોદભાઈ જોશી, લોક સાહિત્‍યના જાણતલ અને માણતલ શ્રી વસંતભાઈ ગઢવી, ફૂલછાબના તંત્રી શ્રી જ્‍વલંતભાઈ અને યુવાન પત્રકાર તેમ જ લોક સાહિત્‍યના સંશોધનકાર શ્રી લલિતભાઈ ખંભાયતાના મનનીય વક્‍તવ્‍ય યોજાયા. કથા દરમિયાન ગુજરાતના લગભગ તમામ નામી અનામી લોક કલાકારો કથા શ્રવણ માટે અનુકૂળ હોય એટલો સમય ફાળવીને કથા રસનું પાન કરવા આવ્‍યા હતા.

વિરપુર ધામના ભરતભાઈ અને મહુવાના વ્‍યાસપીઠના સમર્પિત સેવાવ્રતી  ચીમનભાઇએ આ નાનકડાં નગરમાં તમામ વ્‍યવસ્‍થા સારી રીતે ગોઠવી બતાવી.  વ્‍યાસપીઠના પરમ આશ્રિત એવા વડીલ શ્રીબદરુબાપુ અને ભાઈ લવકુભાઈએ વ્‍યાસપીઠ અને કથા સબંધી વ્‍યવસ્‍થા માટે દિવસ રાત જોયા વિના અવિરત સેવા આપી અને મહેમાનોની સરભરા કરવામાં કોઈ મણા રહેવા ન દીધી. બાપુ માટેની કાયમી ‘‘કૈલાસ'' કુટિયા તો એમણે વાડીએ રાખી જ છે એ સિવાય બાપુના દર્શન - મુલાકાત માટે આવનારા મહાનુભાવો - સાહિત્‍યકારો, કલાકારો, સંતો મહંતો માટે વાડીએ પ્રસાદ સહિતની વ્‍યવસ્‍થા એમણે ગોઠવેલી. એમના મહેમાનો અને પરિચિતો માટે પણ પ્રસાદ વ્‍યવસ્‍થા રાખેલી હતી. તેમ નિલેશભાઇ વાવડીયા (મહુવા)ની યાદીમાં જણાવ્‍યુ છે.

પૂ.મોરારીબાપુએ જણાવ્‍યું હતું કે મેઘાણીમાં દ્રવ્‍ય, જ્ઞાન,સ્‍વાધ્‍યાય અને તપની વાતો પણ મળે છે. પરિક્રમાના સંદર્ભમાં કહ્યું હતું પરિક્રમા એટલે જેને તમે ભજો છો તેને ચારે બાજુથી તપાસવા. મોરારીબાપુ એ જણાવ્‍યું હતું કે મેઘાણીજીએ સૌરાષ્‍ટ્રને પત્ર લખ્‍યું અને કહ્યું કે લિખીતન હું આવું છું તો મેં બગસરાને કહ્યું કે હું આવું છું. અને આપણે આ માનસ મેઘાણીની કથા અને આરંભવી છે.આજની કથામાં ભરતના ત્‍યાગની વિશેષ રૂપે બાપુએ વાત કરી હતી તેવીજ  શબરીની નવધા ભક્‍તિની વાત બાપુએ કરી હતી. અને બાપુએ કહ્યું હતું કે ભગવાન જ્‍યારે સમુદ્ર કિનારે જાય છે. રાવણ સામે પણ યુદ્ધ કરતા પહેલા પૂજ્‍ય બાપુ કહે છે કે ભગવાન રામ રાવણના દરબારમાં પણ સંધિ માટે પ્રસ્‍તાવ મોકલ્‍યો હતો અને કહ્યું હતું કે જ્‍યાં સુધી સંધિ શકય હોય ત્‍યાં સુધી યુદ્ધ કરવું જોઈએ નહીં. એવીજ રીતે સમગ્ર દુનિયામાં સંકેત મોકલ્‍યો કે શકય હોય ત્‍યાં સુધી યુદ્ધ ના કરવું સર્વે સુખિના સંતુ સર્વે સંતુ નિરામય સર્વેનું કલ્‍યાણ થાય અને સદબુદ્ધિ આવે એવો સંકેત આપ્‍યો હતો. જયારે કથાના અંતમાં વ્‍યાસપીઠ બિરાજમાન મોરારીબાપુ સહીત તમામ લોકોમાં કથા પૂર્ણ થતા આંખમાં આંસુ આવી ગયા હતા. ફરીવાર બગસરામાં વહેલી વહેલી કથા કરવા આવજો અને મેઘાણીજીને ફરી જીવંત બનાવજો તેવું પણ લોકો દ્વારા કહેવામાં આવ્‍યું હતું.અને તમામ લોકોને આશીર્વાદ પણ આપ્‍યા હતા. તેમ સમીર વિરાણીની યાદીમાં જણાવ્‍યુ છે.

 પુ.મોરારીબાપુ અને પિનાકીભાઇ મેઘાણી ભાવુક થઇ ગયા

રાજકોટઃ અમરેલી જિલ્લાના બગસરામાં પૂ.મોરારીબાપુના વ્‍યાસાસને માનસ મેઘાણી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. ગઇકાલે રવિવારે શ્રી રામકથાએ વિરામ લીધો હતો. કાલે બપોરે પૂ.મોરારીબાપુને એમની ગાડીમાં વિદાય આપવાનું સદભાગ્‍ય ઝવેરચંદ મેઘાણીના પોૈત્ર પિનાકીભાઇ નાનકભાઇ મેઘાણીને પ્રાપ્ત થયું હતું. પૂ.મોરારીબાપુ અને પિનાકીભાઇ મેઘાણી ભાવુક થઇ ગયા હતા.

(11:47 AM IST)