News of Monday, 16th March 2026
જૂનાગઢ જિલ્લામાં પંચાયત ચૂંટણીઓનો ધમધમાટ: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક જાહેર
ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો હેઠળ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓને સોંપાઈ મહત્વની જવાબદારી; જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે આદેશ અમલી

ગાંધીનગર:રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જૂનાગઢ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલ દ્વારા ૧૬ માર્ચ ૨૦૨૬ના રોજ એક સત્તાવાર આદેશ બહાર પાડીને વિવિધ મતદાર મંડળો માટે ચૂંટણી અધિકારીઓ (RO) અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ (ARO) ની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકો ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો, ૧૯૯૪ના નિયમ-૫ હેઠળ મળેલ સત્તાની રૂઈએ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયત માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક
જૂનાગઢ જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો માટે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબની નિમણૂકોનો સમાવેશ થાય છે:
* જૂનાગઢ મતદાર મંડળો (બિલખા, ડુંગરપુર, મજેવડી, વડાલ): ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી, જૂનાગઢ અને મદદનીશ અધિકારી તરીકે મામલતદાર, જૂનાગઢ (ગ્રામ્ય) તથા તાલુકા વિકાસ અધિકારી, જૂનાગઢની નિમણૂક કરાઈ છે.
* વંથલી મતદાર મંડળો (ધંધુસર, કણજા, શાપુર): પ્રાંત અધિકારી, વંથલીને ચૂંટણી અધિકારી અને મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી, વંથલીને મદદનીશ તરીકે નિયુક્ત કરાયા છે.
* માણાવદર મતદાર મંડળો (કોયલાણા, મટીયાણા, સરદારગઢ): જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (જૂનાગઢ) ને ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે, જ્યારે મામલતદાર, માણાવદર અને સરકારી શ્રમ અધિકારી મદદનીશ તરીકે કાર્ય કરશે.
* વિસાવદર મતદાર મંડળો (કાલસારી, મોણપરી મોટી, સરસાઇ): પ્રાંત અધિકારી, વિસાવદર મુખ્ય જવાબદારી સંભાળશે.
* કેશોદ મતદાર મંડળો (અગતરાય, અજાબ, બાલાગામ, મેસવાણ): નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), જૂનાગઢને ચૂંટણી અધિકારી તરીકે અને મામલતદાર, જૂનાગઢ (શહેર) તથા તાલુકા વિકાસ અધિકારી, કેશોદને મદદનીશ તરીકે નિયુક્ત કરાયા છે.
* ભેંસાણ અને મેંદરડા બેઠકો: જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી (જૂનાગઢ) તથા પ્રાંત અધિકારી, મેંદરડાને ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપાઈ છે.
* માંગરોળ અને માળીયા હાટીના: જિલ્લા પુરવઠા અધિકારી (જૂનાગઢ) અને નાયબ કમિશનર, જૂનાગઢ મહાનગરપાલિકાને આ બેઠકો માટે ચૂંટણી અધિકારી જાહેર કરાયા છે.
તાલુકા પંચાયત સ્તરે વહીવટી માળખું
તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને (TDO) બહોળી જવાબદારી અપાઈ છે:
* જૂનાગઢ તાલુકો: મામલતદાર, જૂનાગઢ (ગ્રામ્ય) અને તાલુકા વિકાસ અધિકારીને વિવિધ બેઠકો માટે ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. મદદનીશ તરીકે નાયબ મામલતદાર (મહેસૂલ) અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સેવા આપશે.
* વંથલી તાલુકો: મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી વંથલીને નિયુક્ત કરાયા છે.
* માણાવદર તાલુકો: મામલતદાર, માણાવદર અને સરકારી શ્રમ અધિકારીને ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપાઈ છે.
* વિસાવદર તાલુકો: મામલતદાર અને ટીડીઓ વિસાવદર જવાબદારી સંભાળશે.
* ભેંસાણ અને મેંદરડા તાલુકો: મામલતદાર, ભેંસાણ અને મેંદરડા તથા સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને ચૂંટણી અધિકારી તરીકે જાહેર કરાયા છે. મેંદરડામાં મદદનીશ તરીકે વિસ્તરણ અધિકારી (સહકાર) ની પણ નિમણૂક કરાઈ છે.
* માળીયા હાટીના અને માંગરોળ તાલુકો: મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને સંબંધિત મતદાર મંડળોના ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે.
આ આદેશની નકલ કલેક્ટર જૂનાગઢ, જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢ અને રાજ્યના મુખ્ય સચિવ સહિતના વિભાગોને રવાના કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓની નિમણૂક માત્ર આગામી સામાન્ય ચૂંટણી પૂરતી જ અમલમાં રહેશે. આદેશ મુજબ આ વિગતો સરકારી ગેઝેટમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
