News of Tuesday, 17th March 2026
“રસ્તો અમારા બાપનો છે” કહી વેપારી પર પથ્થર મારો: ડોક્ટર સહીત પાંચ વિરુદ્ધ ફરિયાદ.
ઉશ્કેરાયેલા શખ્સોએ વેપારી પર પથ્થરમારો કરતા તેમને હાથે ઈજા પહોંચી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના શનાળા-ધૂનડા રોડ પર આવેલી સોસાયટીમાં રસ્તાના વપરાશ બાબતે ચાલતો વિવાદ હિંસક બન્યો છે. સનાતન ગ્રામ સોસાયટીમાં ફ્લેટ રાખનાર એક વેપારી જ્યારે પોતાના મકાનનું કામ જોવા ગયા હતા, ત્યારે પાડોશી સોસાયટીના રહીશોએ ‘આ રસ્તો અમારા બાપનો છે’ તેમ કહી રસ્તો રોક્યો હતો. આ તકરાર દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સોએ વેપારી પર પથ્થરમારો કરતા તેમને હાથે ઈજા પહોંચી હતી. આ મામલે વેપારીએ પાંચ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગતો મુજબ, પંચાસર રોડ પર રહેતા અને બજરંગ ટૂલ્સ નામની દુકાન ચલાવતા મુકેશભાઈ પારેજીયા પોતાના નવા ફ્લેટનું ફર્નિચર કામ જોવા ગયા હતા. પરત ફરતી વખતે આર્યગ્રામ સોસાયટીના ગેટ પાસે ગટરના કામ બાબતે સોસાયટીના રહીશો બિલ્ડર સાથે ઝઘડો કરતા હતા. મુકેશભાઈ ત્યાંથી પસાર થતા આરોપીઓએ તેમને અટકાવ્યા હતા અને રસ્તો વાપરવા બાબતે ગાળાગાળી કરી હતી. આરોપી ચિરાગ વડસોલાએ પથ્થરના છુટ્ટા ઘા મારતા મુકેશભાઈને ડાબા હાથે ઈજા થઈ હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે આ મામલે ચિરાગ વડસોલા, ડો. જયસુખ પનારા, કોમલ પનારા, અલ્પા વડસોલા અને રાકેશ મેરજા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
