<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

પોરબંદરમાં પાગાબાપાના આશ્રમ પાછળ આવેલી કરોડોની કિંમતની સરકારી જમીન પરના દબાણો હટાવવા ગયેલ ટીમનો ભારે વિરોધ

સરકારી કાર્યવાહી દરમિયાન સ્થાનિક રહિશો અને ખાસ કરીને મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના બુલડોઝર અને પોલીસ કાફલાને જોઈને માહોલ તંગ બન્યો

પોરબંદરના વી.વી. બજાર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદમાં આખરે કાયદાકીય કાર્યવાહીનો ગાળિયો કસાતા આજે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાગાબાપાના આશ્રમ પાછળ આવેલી PGVCLની કરોડોની કિંમતની સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે તંત્ર મેદાને પડ્યું છે. ફેબ્રુઆરી 2026માં કોર્ટે આપેલા સીમાચિહ્નરૂપ ચુકાદાના આધારે આજે 17 માર્ચના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એક મિલકતનો પ્રત્યક્ષ કબજો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંદાજે 4870 ચોરસ મીટર એટલે કે 3 વીઘા જેટલી વિશાળ જમીન પર 1998 થી ચાલી રહેલા કાયદાકીય જંગમાં આ કાર્યવાહીને વહીવટી તંત્રની મોટી જીત માનવામાં આવે છે.

 

આ સરકારી કાર્યવાહી દરમિયાન સ્થાનિક રહિશો અને ખાસ કરીને મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના બુલડોઝર અને પોલીસ કાફલાને જોઈને માહોલ તંગ બન્યો હતો, જેમાં વિરોધ કરી રહેલી 3 મહિલાઓ સ્થળ પર જ બેભાન થઈ જતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. PGVCLના અધિક્ષક ઇજનેર સી.સી. ડામોરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભાવેશ સોલંકી નામના શખ્સના કબજા હેઠળની મિલકતનો કોર્ટના આદેશથી કબજો મેળવાયો છે. અન્ય ગેરકાયદે આસામીઓ સામે પણ આગામી દિવસોમાં કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને સમગ્ર જમીન ખુલ્લી કરાવવામાં આવશે. આ મહત્વપૂર્ણ જમીનનો ઉપયોગ ભવિષ્યમાં વીજ વિભાગના માળખાકીય વિકાસ માટે કરવામાં આવશે, જે વર્ષોથી અતિક્રમણને કારણે અટવાયેલો હતો.

(10:11 PM IST)