<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ભાવનગરના નાગધણીબા ગામે ખેડૂત પર ભાગીયા સહિતના શખ્સોનો હુમલો: રૂ. 3 લાખના સોનાના દાગીના લૂંટી ફરાર

પાટીદાર આગેવાન વિજયભાઈ માંગુકિયાએ એસપીને રજૂઆત કરી આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરતા વરતેજ પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગર :નાગધણીબા ગામના ખેડૂત અશોકભાઈ ઇટાલિયા પર તેમના જ ભાગિયા સંજય પરમાર અને અન્ય 4 શખ્સોએ હિંસક હુમલો કરી અંદાજે 3 લાખ રૂપિયાની મતાની લૂંટ ચલાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગત સાંજે જ્યારે ખેડૂત પોતાના લેણા પૈસાની ઉઘરાણી કરવા ગયા, ત્યારે પૂર્વનિયોજિત કાવતરા મુજબ તેમને રસ્તામાં આંતરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

મળતી માહિતી મુજબ અશોકભાઈએ સંજયભાઈ પરમારને પોતાના ખેતરમાં ચાર મહિના માટે ભાગિયા તરીકે રાખ્યા હતા. ખેતીની સિઝન પૂર્ણ થતા હિસાબ દરમિયાન સંજયભાઈ પાસે ખેડૂતના 15,500 રૂપિયા લેણા નીકળતા હતા. આ રકમ પરત ન આપવાની દાનત રાખીને ભાગિયાએ અગાઉ ફોન પર અભદ્ર ગાળો આપી હતી. જ્યારે અશોકભાઈ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સંજય પરમારે અન્ય ચાર અજાણ્યા શખ્સો સાથે મળીને ખેડૂતને આંતર્યા હતા. આ શખ્સોએ ખેડૂત પર જીવલેણ હુમલો કરી તેમને ઇજાઓ પહોંચાડી હતી. આટલેથી જ ન અટકીને, હુમલાખોરોએ અશોકભાઈના ગળામાંથી સોનાનો ચેઈન અને હાથમાંથી વીંટી મળીને કુલ 3 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી અને નાસી છૂટ્યા હતા

 . આ ઘટનાની જાણ થતા જ પાટીદાર આગેવાન વિજયભાઈ માંગુકિયા પીડિત ખેડૂતની વહારે પહોંચ્યા હતા.  આરોપીઓને ઝડપી પાડી કડક સજા કરવા એસપીને રજૂઆત કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાગિયાઓ દ્વારા ખોટી રીતે જમીન હડપી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "કોઈના બાપની ત્રેવડ નથી કે આવી રીતે ગુજરાતના ખેડૂતોને કોઈ રોકટોક કરી શકે. સમાજ અને પોલીસ અસામાજિક તત્વોને ડામવા હંમેશા તૈયાર છે."

વરતેજ પોલીસ એ આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ખેડૂતનું નિવેદન નોંધી ફરાર પાંચેય શખ્સોની શોધખોળ શરૂ કરી છે

(10:12 PM IST)