<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

પોરબંદરમાં ભૂપેન્‍દ્રભાઇના હસ્‍તે કાલે ર૪૧ કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહુર્ત

પાણી, રસ્‍તા અને લાઇટીંગ સુવિધામાં વધારોઃ આધુનિક ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરનું નિર્માણઃ અસ્‍માવતી રિવર ફન્‍ટ ઉપર ફલોટીંગ ફાઉન્‍ટેન મુખ્‍યમંત્રીનું વિઝન - સર્વાગી અને સ્‍થાયી વિકાસ સાથે સુવિધાભર શહેરોના નિર્માણ હેઠળ વિવિધ વિકાસ કામગીરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૮: મહાનગરપાલિકા દ્વારા થયેલા ર૪૧  કરોડથી વધુ વિવિધ વિકાસ કામોના લોકાપર્ણ તથા ખાતમુહુર્ત આવતીકાલે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે થશે.

મહાનગરપાલિકા દ્વારા રૂ. ૨૪૧ કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ ના હસ્‍તે થનાર છે, જેના માધ્‍યમથી શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. આધુનિક ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, પાણી, માર્ગ અને લાઇટિંગ જેવી મૂળભૂત સુવિધાઓમાં વ્‍યાપક સુધારો થવાની સાથે મુખ્‍યમંત્રીશ્રીના સર્વાંગી, સ્‍થાયી અને નાગરિકકેન્‍દ્રિત વિકાસના વિઝનને મ્‍યુનિસિપલ કમિશનર શ્રી એચ. જે. પ્રજાપતિએ સાર્થક કરતા સ્‍વચ્‍છ, સુવ્‍યવસ્‍થિત અને સ્‍માર્ટ શહેર તરફ આગળ વધી રહ્યું છે.

આવતી કાલે શહેર માટે ગૌરવની ક્ષણરૂપ રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ આવતી કાલે તા. ૧૯ પોરબંદરના પ્રવાસે આવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર તથા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વ્‍યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. તાજાવાલા હોલ ખાતે યોજાનારા મુખ્‍ય કાર્યક્રમ દરમિયાન શહેરના વિકાસને નવી દિશા આપતા વિવિધ મહત્‍વપૂર્ણ પ્રોજેક્‍ટોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવશે.

મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે પોરબંદર મહાનગરપાલિકા હેઠળ અંદાજે ૧૬ વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા ૭ પૂર્ણ થયેલ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, જેનો કુલ ખર્ચ આશરે રૂ. ૨૪૧ કરોડથી વધુ છે. આ પ્રસંગે રૂ. ૨૨૯.૩૩ કરોડના ખર્ચે થનારા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં અમળત ૨.૦ અને ‘નલ સે જલ' યોજના હેઠળ પોરબંદર વોટર સપ્‍લાય પ્રોજેક્‍ટ, શહેરના મુખ્‍ય માર્ગો પર સ્‍માર્ટ સ્‍ટ્રીટ લાઇટ તથા અન્‍ય વિસ્‍તારોમાં લાઇટિંગ સુવિધા, આઇકોનિક રોડ ડેવલોપમેન્‍ટ, ખાપટ અને જનકપુરી વિસ્‍તારમાં રોડ નિર્માણ તેમજ એમ.ઈ.એમ. સ્‍કૂલના નિર્માણ જેવા મહત્‍વપૂર્ણ કાર્યોનો સમાવેશ થાય છે. ઉપરાંત નવા ભળેલા ગામો જાવર, દિગ્‍વિજયગઢ, વનાણા અને રતનપર ખાતે પાણી પાઇપલાઇન, ESR અને GSRના નિર્માણથી પાણી પુરવઠા વ્‍યવસ્‍થાને મજબૂત બનાવવામાં આવશે. શહેરના સૌંદર્ય અને સુવિધાઓ વધારવા હેરીટેજ સ્‍ટેટ લાઇબ્રેરી, કમલાબાગ ગાર્ડન, પેરેડાઈઝ સર્કલ અને જાવંત્રીગાળા વિસ્‍તારના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે.

સાથે જ સ્‍ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્‍ટમ, જુદા જુદા વિસ્‍તારોમાં પેવર બ્‍લોક, ખેડૂત તાલીમ કેન્‍દ્ર પાસે રસ્‍તા, નરસંગ ટેકરી નીચે વેજીટેબલ માર્કેટ, વનાણા અને દિગ્‍વિજયગઢમાં આંગણવાડી નિર્માણ તથા અસ્‍માવતી રિવરફ્રન્‍ટ પર ફલોટિંગ ફાઉન્‍ટેન જેવા પ્રોજેક્‍ટો શહેરના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપશે.

ઉપરાંત રૂ. ૧૨.૧૪ કરોડના ખર્ચે પૂર્ણ થયેલ આશરે ૭ વિકાસ કાર્યોનું લોકાર્પણ મુખ્‍યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવશે. તેમાં ગોઢાણીયા પમ્‍પિંગ સ્‍ટેશન (વરસાદી પાણીના નિકાલ માટે), જુદા જુદા વોર્ડમાં રોડ રિસરફેસિંગ તથા પેવર બ્‍લોક કામો, મહાનગરપાલિકા ઓફિસ બિલ્‍ડિંગ અપગ્રેડેશન, ગધાઈવાડા વિસ્‍તારમાં કોમ્‍યુનિટી હોલ, બંદર રોડ પર સ્‍ટ્રીટ લાઇટ સુવિધા અને કનકાઈ મંદિર ગાર્ડન વિકાસ જેવા કાર્યોનો સમાવેશ થાય છે, જેનાથી નાગરિકોને સીધો લાભ મળશે.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનું વિઝન ‘સર્વાંગી અને સ્‍થાયી વિકાસ સાથે સુવિધાસભર શહેરોનું નિર્માણ' છે. તેમના માર્ગદર્શન હેઠળ પાણી, માર્ગ, લાઇટિંગ, ડ્રેનેજ અને ગ્રીન સ્‍પેસ જેવા મૂળભૂત ક્ષેત્રોમાં સુદ્રઢ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઉભું કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ વિકાસ કાર્યો દ્વારા પોરબંદર શહેરને આધુનિક, સ્‍વચ્‍છ અને નાગરિકમિત્ર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેનાથી નાગરિકોના જીવનમાપદંડમાં નોંધપાત્ર સુધારો થશે.

આ તમામ વિકાસ કાર્યો પૂર્ણ થતા પોરબંદર શહેરમાં પાણી પુરવઠા, માર્ગ વ્‍યવસ્‍થા, લાઇટિંગ, ડ્રેનેજ તથા જાહેર સુવિધાઓમાં ગુણાત્‍મક સુધારો જોવા મળશે અને શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર તથા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજનબદ્ધ રીતે તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે

(11:53 AM IST)