<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

મોરબી જિલ્લામાં આંગણવાડીની ૬૦૦ બહેનો ત્રણ દિવસની હડતાલ પર, ધરણા યોજીને પડતર માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું.

જો તેઓની માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો આગમી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાના આંગણવાડીના બહેનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજીને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને તેઓની માંગણીઓને ધ્યાને લેવામાં આવતી નથી જેથી ત્રણ દિવસની હડતાલનું એલાન કર્યું છે અને હાલમાં કલેક્ટરને પડતર માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હવે જો તેઓની માંગણીને ધ્યાને લઈને સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી બહેનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

    આંગણવાડીમાં કામ કરતા બહેનો છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં આંદોલન કરીને તેઓને પૂરતો પગાર આપવામાં આવે અને જરૂરી સુવિધાઓ આપવામાં આવે તેની માંગણીઓ કરવામાં આવે છે તેમ છતાં પણ તેઓની માંગને રાજ્ય સરકાર દ્વારા ધ્યાને લેવામાં આવતી નથી ત્યારે બુધવારે મોરબી જિલ્લાના કલેક્ટરને બહેનો દ્વારા આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યુ છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ બહેનોને પગાર આપવામાં આવે, ડિજિટલ કામગીરી કરવા માટે બહેનોને સારી કંપનીના મોબાઈલ ફોન આપવામાં આવે તે સહિત કુલ મળીને 19 માંગણીઓ કરવામાં આવેલ છે અને હાલમાં મોરબી, ટંકારા, વાંકાનેર અને માળીયા તાલુકાની બહેનો દ્વારા ત્રણ દિવસ કામ બંધ કરીને હડતાલ કરવામાં આવેલ છે. અને જો તેઓની માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો આગમી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

(12:41 AM IST)