News of Thursday, 19th March 2026
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વોને પકડવા તમામ પોલીસ સ્ટેશનને જૂનાગઢ રેન્જ આઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમાનો આદેશ
ભેળસેળિયા તત્વો પર ત્રાટકી પોલીસ, લાખોનો મુદ્દામાલ જપ્તઃ કેશોદ અને તાલાલામાં દરોડાઃ નકલી દૂધ બનાવવાનું રો-મટીરીયલ અને વર્ષો જૂનો અખાદ્ય કેરીનો રસ ઝડપાયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૯: લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે જૂનાગઢ રેન્જ આઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં જૂનાગઢ રેન્જના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિવિધ જિલ્લાઓમાં પોલીસ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરીને નકલી દૂધ અને અખાદ્ય પદાર્થોનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કામગીરીથી અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. તાલાલાના નરસંગ ટેકરી વિસ્તારમાંથી નકલી દૂધ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું રૂપિયા ૯૨,૯૦૦ની કિંમતનું શંકાસ્પદ રો-મટીરીયલ જપ્ત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, ગુંદરણ ગામના પ્રેમનગર નેસ વિસ્તારમાંથી પણ નકલી દૂધ બનાવવાની સાધનસામગ્રી અને અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા ૪,૬૮,૧૪૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
માત્ર દૂધ જ નહીં, પરંતુ તાલાલાના હડમતીયા ગામેથી ભેળસેળયુક્ત અને આશરે બે વર્ષ જૂનો ૧૬૦૦૦ લીટર જેટલો અખાદ્ય કેરીનો રસ વેચાય તે પહેલા જ પોલીસે ઝડપી પાડી મોટી હોનારત ટાળી હતી.
આ ઉપરાંત કેશોદ બાયપાસ પાસે આવેલી શ્રી શક્તિ ડેરી એન્ડ સિવિલ સેન્ટર ખાતેથી પણ દૂધના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.
આઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કડક સૂચના જારી કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ રેન્જ દ્વારા જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાની એલ.સી.બી અને એસ.ઓ.જી ટીમોને સક્રિય કરી તમામ પોલીસ સ્ટેશનને આવી નકલી ફેક્ટરીઓ પર દરોડા પાડવા કડક આદેશ આપ્યા છે.
તેઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં, નાગરિકોને પણ અપીલ કરી કે જો કયાંય પણ આવી ગેરકાયદેસર પ્રવળત્તિ થતી જણાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અથવા સ્થાનિક એલ.સી.બી, એસ.ઓ.જી ટીમનો સંપર્ક કરવો.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
