<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

આજે સાંજે નરીઆંખે ચંદ્રદર્શન થવાની શકયતા નહિવત : ગોર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૯: ઇસ્‍લામિક કેલેન્‍ડર મુજબ પવિત્ર રમજાન માસ પૂર્ણ થવાના આરે છે, ત્‍યારે કચ્‍છમાં ચંદ્ર દર્શનની ખગોળીય ગણતરી વિશે સ્‍ટારગેજીંગ ઈન્‍ડિયાના નરેન્‍દ્ર ગોર સાગર જણાવે છે કે, તારીખ ૧૯ માર્ચ ૨૦૨૬ ના રોજ સાંજે નરી આંખે ચંદ્ર દર્શન થવાની શકયતા નહિવત (શૂન્‍ય ટકા) છે.

તારીખ ૧૯ માર્ચ ૨૦૨૬ ના રોજ ભુજમાં સૂર્યાસ્‍ત સાંજે ૦૭:૦૧ કલાકે થશે અને ૨૮ મિનિટ બાદ ચંદ્રનો પણ અસ્‍ત થશે. તે જ દિવસે સવારે ૦૬:૫૩ કલાકે અમાવસ્‍યા પૂર્ણ થાય છે. એટલે કે, સાંજે સૂર્યાસ્‍ત સમયે ચંદ્રની ઉંમર માત્ર ૧૨ કલાક અને ૮ મિનિટ જેટલી જ હશે.

આ સમયે સૂર્ય અને ચંદ્ર વચ્‍ચેનું કોણીય અંતર ૭ અંશ કરતા પણ ઓછું હશે. ખગોળશાષાના નિયમ (ડેન્‍જોન લિમિટ) મુજબ, જ્‍યારે આ અંતર ૭ અંશથી ઓછું હોય ત્‍યારે ચંદ્રની પ્રકાશિત કોર (Crescent) ભૌતિક રીતે રચાતી નથી. આથી, ૧૯ માર્ચની સાંજે નરી આંખે ચંદ્ર દર્શન થવાની શકયતા નહિવત છે. આમ સ્‍પષ્ટ ખગોળીય સ્‍થિતિના કારણે, આ વર્ષે રમજાન માસના રોજા પૂરા ૩૦ દિવસ થવાની પ્રબળ શકયતા છે.

વધુમાં નરેન્‍દ્રભાઇ જણાવે છે કે, જો વાતાવરણ ચોખ્‍ખું હશે, તો ૨૦ માર્ચની સાંજે પશ્‍ચિમ આકાશમાં માહે શવ્‍વાલ અને ચેટી ચાંદનો ચંદ્ર એકદમ સ્‍પષ્ટ અને સહેલાઈથી જોઈ શકાશે આથી ખગોળીય ગણતરી મુજબ ૨૧ માર્ચ ૨૦૨૬ ના રોજ ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવે એવી સંભાવના છે.

(10:55 AM IST)