<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં માવઠુ : ખેડુતોના જીવ તાળવે ચોંટયા

વહેલી સવારે પવનના સુસવાટા ફુંકાતા ‘મીની વાવાઝોડા' જેવો માહોલ : કમોસમી વરસાદ પડતા પાકને નુકશાન : લાલપુર, બગસરા, ટંકારા પંથકમાં કરા સાથે ભર ઉનાળે વરસાદ વરસ્‍યો

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. રસ્‍તા ઉપર પાણી વહેતા થયા હતા. (તસ્‍વીરઃ ચંદ્રેશ પટેલ (મોટી પાનેલી) જયેશ ભટ્ટાસણા (ટંકારા) સમીર વિરાણી (બગસરા) (૪.૭)

રાજકોટ, તા., ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્‍ટો સાથે જુદા જુદા વિસ્‍તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડતા ખેડુતોના જીવ તાળવે ચોટી ગયા છે. વહેલી સવારે ભારે પવન સાથે મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો.

લાલપુર, બગસરા, ટંકારા સહિતના વિસ્‍તારોમાં ઝાપટા રૂપે વરસાદ પડયો હતો.

મોટી પાનેલી

મોટી પાનેલીઃ  સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં માવઠાની આગાહી વચ્‍ચે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં કરા સાથે વરસાદ કાલે સાંજના સમયે પડ્‍યો હતો.આ વરસાદ લાલપુર બાયપાસ આપીયા ગામ અને ટેભડા ગામમાં પડ્‍યો છે.આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અચાનક કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.(ચંદ્રેશ હિરાણી-મોટી પાનેલી)

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થઇ ગયા હતા. તેમ હવામાન નિષ્‍ણાંત અમિતભાઇ માણાવદરીયાએ જણાવ્‍યું હતું. (ચંદ્રેશ પટેલ-મોટી પાનેલી)

કચ્‍છ

(વિનોદ ગાલા દ્વારા)  એક બાજુ ભારે તડકો અને ગરમી બીજી બાજુ વરસાદ જેવો માહોલ. પર્યાવરણનો બદલાવ જનજીવન માટે મુશ્‍કેલી સર્જી રહ્યો છે. કચ્‍છમાં ફાગણ મહીનાથી જ ભારે ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. હજી ચૈત્ર મહીનો શરુ થઈ રહ્યો છે ત્‍યાં જ આકાશમાંથી અગન વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. તે વચ્‍ચે માવઠા સાથે હવામાનમાં પલટો આવે એવી આગાહી કરાયા બાદ ગઈ કાલે મોડી રાત્રે બે વાગ્‍યા બાદ અડધો કલાકથી વધુ સમય સુધી ભારે પવન સાથે મીની વાવાઝોડું ફુકાયું હતું. પવનના સુસવાટા વચ્‍ચે લાઈટ ગુલ થઈ હતી. બીજી બાજુ માવઠાની આગાહી કરાઈ છે. માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ભારે ઉચાટ અને ચિંતાની લાગણી છે. જો માવઠું પડશે તો ખેતીને ભારે નુકસાનની શકયતા છે.

બગસરા

(સમીર વિરાણી દ્વારા) બગસરા : બગસરાઃ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી ઠરતા અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને કમોસમી વરસાદ ખાબકયો હતો. સમગ્ર પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્‍યું હતું જે બાદ પવન અને કરા સાથે વરસાદ તૂટી પડ્‍યો હતો. આ કમોસમી માવઠાને કારણે બગસરા શહેરના મુખ્‍ય રસ્‍તાઓ પર પાણી ફરી વળ્‍યા હતા જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. માત્ર શહેરમાં જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વરસાદના વાવડ મળતા ખેતીકામમાં રોકાયેલા લોકો મુશ્‍કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં જેવા શિયાળુ પાકોને આ વરસાદથી ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ રાત-દિવસ મહેનત કરીને પકવેલો પાક લણણી સમયે જ પલળી જતાં ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્‍યો છે.( તસવીર સમીર વિરાણી બગસરા)

ટંકારા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારાઃ  ટંકારામાં કાલે રાત્રીના ગાજવીજ સાથે જોરદાર માવઠુ વરસ્‍યું હતુ અને પવનના સુસવાટા ફુંકાયા હતા.

(11:21 AM IST)