<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

મોરબીના બેલા ગામની સુમનબેનનું દિકરાને જન્‍મ આપ્‍યા બાદ મોતઃ ત્રણ સંતાન મા વિહોણા

મોરબી ખાનગી હોસ્‍પિટલમાં સિઝેરીયનથી ડિલવરી બાદ કોથળીનું ઓપરેશન કરાયું: તબિયત બગડતાં રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઇઃ ત્‍યાંથી સિવિલમાં મોકલાઇઃ સવારે દમ તોડયોઃ મુળ યુપીનો પરિવાર શોકમાં ગરક : પત્‍નિને બચાવવા પતિએ બે ખાનગી હોસ્‍પિટલમાં પાંચ લાખ જેવી રકમ ભરપાઇ કરી છતાં જીવ ન બચ્‍યો

રાજકોટ તા. ૧૯: મોરબીના બેલા ગામે એક સગર્ભાને ડિલીવરી માટે મોરબીની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા બાદ સિઝેરીયનથી દિકરાને જન્‍મ આપ્‍યા બાદ તેણીને તબિયત બગડતાં વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાઇ હતી. પરંતુ અહિ મૃત્‍યુ થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. નવજાત પુત્ર સહિત ત્રણ સંતાન મા વિહોણા થઇ ગયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ બેલા ગામે રહેતાં મુળ યુપીના રાજુ પાસવાન નામના યુવાનની પત્‍નિ સુમન પાસવાનને પેટમાં આઠ માસનો ગર્ભ હતો. તેણીને ૧૪/૩ના રોજ પેટમાં દુઃખાવો ઉપડતાં મોરબીની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્‍યાં સિઝેરીયનથી દિકરાને જન્‍મ આપ્‍યો હતો. પરંતુ આ પછી તેણીની તબીયત બગડતાં તબિબે ગર્ભાશયની કોથળી કાઢવી પડશે કહી તેનું ઓપરેશન કર્યુ હતું. પરંતુ ત્‍યારબાદ તેણીની તબીયત વધુ લથડતાં રાજકોટ રાજનગર વિસ્‍તારની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્‍યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ આજે સવારે મૃત્‍યુ થતાં તબિબે રીટ્રોગેટ એમએલસી જાહેર કરી પોલીસને જાણ કરી હતી.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર સુમનબેનને અગાઉ એક દિકરો અને એક દિકરી હતાં. ત્રીજી ડિલીવરીમાં દિકરાને જન્‍મ આપ્‍યો હતો. તેણીના મોતથી આ ત્રણ સંતાન મા વિહોણા થઇ ગયા છે. પતિ રાજુ પાસવાન સિરામીક ફેક્‍ટરીમાં પેકીંગ વિભાગમાં કામ કરે છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પતિએ ખુબ જ દુઃખ સાથે કહ્યું હતું કે મોરબીમાં જે હોસ્‍પિટલમાં મારા પત્‍નિને દાખલ કરાયા હતાં ત્‍યાં એક લાખથી વધુનું બીલ થયુ હતું અને રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ચાર લાખ જેવું બીલ તેણે ચુકવ્‍યું હતું. આમ છતાં તેની પત્‍નિનો જીવ બચ્‍યો નહોતો. 

(1:32 PM IST)