હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૌરાષ્ટ્ર અને ભાવનગરના ઇતિહાસમાં પ્રથમવાર અશાંત ધારા હેઠળ મિલકતની ગેરકાયદે તબદીલી અંગે ગુન્હો દાખલ : પોલીસ વડા નિતેશ પાંડેની લાલ આંખ
ભાવનગરના કેસન્ટ વિસ્તારમાં કલેક્ટરની પરવાનગી વગર કરોડોની મિલકત લઇ બારોબાર વેચી નાખતા વેચનાર દર્શરાજસિંહ ગોહિલ અને ખરીદનાર અલારખાભાઈ ગીગાણી સામે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ભાવનગર:ગુજરાત રાજ્યમાં અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં મિલકતની તબદીલી માટે વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી અનિવાર્ય હોવા છતાં, કાયદાના સરેઆમ લીરેલીરા ઉડાડતો કિસ્સો ભાવનગરમાં પ્રકાશમાં આવ્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ અસામાજિક પ્રવૃત્તિઓ અને કાયદા વિરુદ્ધના કૃત્યો સામે કડક વલણ અપનાવતા, રાજ્યના બીજા અને સૌરાષ્ટ્ર-ભાવનગરના ઇતિહાસમાં અશાંત ધારા હેઠળનો પ્રથમ ગુન્હો નોંધાવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સમગ્ર ઘટનાની વિગત:
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર શહેરના વોર્ડ નં. ૫, શીટ નં. ૧૩૫ અને સીટી સર્વે નં. ૪૪૬૩ ધરાવતા કેસન્ટ વિસ્તારમાં આવેલ પ્લોટ નં. ૫૬૭/એ૧, એ/૨/ઈ વાળી મિલકત અશાંત ધારા હેઠળના વિસ્તારમાં આવે છે. આ મિલકતના માલિક દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ (રહે. હિલ ડ્રાઈવ, દક્ષિણામૂર્તિ સોસાયટી, ભાવનગર) દ્વારા ગુજરાત અશાંત ધારા વિસ્તારમાં તબદીલ અધિનિયમ ૧૯૯૧ હેઠળ કલેક્ટરની કોઈ પણ પ્રકારની પરવાનગી મેળવ્યા વગર જ આ મિલકત વેચવાનો ઈરાદો રાખ્યો હતો.
આ મિલકત અલારખાભાઈ કાદરભાઈ ગીગાણી (રહે. કેસન્ટ સર્કલ પાસે, ભાવનગર) ને ૩,૦૩,૦૦,૦૦૦ (ત્રણ કરોડ ત્રણ લાખ) રૂપિયામાં બારોબાર વેચી નાખવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરી કરવામાં આવેલા આ સોદા અંગે સીટી મામલતદાર વિદ્યાનગર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કે.બી. ચાંદલીયા દ્વારા ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુન્હો રજિસ્ટર કરાવવામાં આવ્યો છે.
કાયદેસરની કાર્યવાહી:
પોલીસ દ્વારા આ મામલે સ્થાવર મિલકત તબદીલ અટકાવવા હક્ક રક્ષક અધિનિયમની કલમ-૫, ૬(એ) મુજબ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૬૨૬૦૬૭૪/૨૦૨૬ થી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ગંભીર ગુન્હાની આગળની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.સી. જાડેજાને સોંપવામાં આવી છે.
જામનગર અને દ્વારકા પંથકમાં અગાઉ અસામાજિક તત્વો સામે જડબેસલાખ લગામ કસનારા પોલીસ વડા નિતેશ પાંડેની આ કાર્યવાહીથી સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ખાસ કરીને મિલકત બજારોમાં અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
