News of Friday, 20th March 2026
સોરઠમાં અડધાથી દોઢ ઈંચ કમોસમી વરસાદ થતા કેરી સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ
૨૮ થી ૩૦ માર્ચ ફરી વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતાના વાદળો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૦: જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં અડધાથી દોઢ ઈંચ કમોસમી વરસાદ થતા કેરી સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જોકે આજે એકંદરે સામાન્ય વાતાવરણ રહ્યું છે.
ગુરુવારે વાતાવરણમાં આવેલા ઓચિતા પલટાએ લોકોને આヘર્યમાં મૂકી દીધા હતા. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક આકાશમાંથી આફત રૂપી માવઠું વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને ખેતી પાકોને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
જૂનાગઢ શહેરમાં સત્તાવાર રીતે માત્ર ૭ મીમી વરસાદ નોંધાયો હતો, પરંતુ ભારે પવન અને ગાજવીજ સાથેના માહોલે રસ્તાઓ પર પાણી વહેતા કરી દીધા હતા.
ગુરુવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભેસાણ પંથકમાં કરા સાથે એક કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો.
સરકારી આંકડા મુજબ ભેસાણ તાલુકામાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિતામાં મુકાયા છે, કારણ કે આંબાના પાક (કેરી) સહિત અન્ય રવી પાકોને ભારે નુકસાન થવાની ભીતિ છે.
જૂનાગઢ શહેરના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, મધુરમ, ટીંબાવાડી અને મોતીબાગ જેવા વિસ્તારોમાં વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા હતા. ભારે પવન ફૂંકાવાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજ લાઈનોમાં ક્ષતિ સર્જાઈ હતી. ગાંધીગ્રામ, મીરાનગર, ઝાંઝરડા રોડ અને જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં લાંબો સમય વીજળી ગુલ રહી હતી. પીજીવીસીએલ સૂત્રોના જણાવ્યા મુજબ, તકેદારીના ભાગરૂપે સબ સ્ટેશનો બંધ કરવાની ફરજ પડી હતી.
માવઠાની એન્ટ્રી થતાની સાથે જ શહેરના તાપમાનમાં પણ મોટો ફેરફાર નોંધાયો હતો.
ગિરનાર પર્વત પર પણ ૧૫ મિનિટ સુધી વરસાદી છાંટા પડ્યા હતા, જેના કારણે પર્વતીય વિસ્તારનું વાતાવરણ અત્યંત આહલાદક અને ઠંડુંગાર બની ગયું હતું.
ગઈકાલે વંથલી પંથકમાં ૯ મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે વિસાવદર, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયા હાટીના પંથકમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.
દરમ્યાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, હજુ પણ રાહત મળવાના સંકેત નથી. આગામી ૨૮ થી ૩૦ માર્ચ દરમિયાન ફરી એકવાર આ વિસ્તારમાં માવઠું થવાની શક્યતા છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
