<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્‍કેટિંગ રીંક'નો દબદબોઃ ૧૪ મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું

રાષ્ટ્રીય ફલક પર ચમકવા સજ્જ જામનગરના સ્‍કેટરોની ઝળહળતી સિદ્ધિને બિરદાવતા ધારાસભ્‍ય દિવ્‍યેશ અકબરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૦:  સુરત ખાતે આયોજિત પ્રતિષ્ઠિત રાજ્‍યકક્ષાની ખેલ મહાકુંભ સ્‍કેટિગ ચેમ્‍પિયનશિપમાં જામનગરના સ્‍કેટરોએ પોતાની અદભૂત સ્‍કીલ્‍સ અને અપ્રતિમ ખેલદિલીનું પ્રદર્શન કરી સમગ્ર રાજ્‍યમાં જામનગરનું નામ રોશન કર્યું છે.

જામનગરની સુપ્રસિદ્ધ રાધે સ્‍કેટિગ રીંકના તાલીમબદ્ધ અને તેજસ્‍વી ખેલાડીઓએ આ સ્‍પર્ધામાં વિજયકૂચ જારી રાખતાં કુલ ૧૪ મેડલ્‍સ પોતાના નામે કર્યા છે, જે શહેરની રમતગમત ક્ષેત્રની ઉભરતી પ્રતિભાનો જીવંત પુરાવો છે. આ ભવ્‍ય સફળતાના અહેવાલ મળતાં જામનગરના ૭૯-વિધાનસભા વિસ્‍તારના ધારાસભ્‍ય દિવ્‍યેશ અકબરીએ તમામ વિજેતા ખેલાડીઓની વિશેષ મુલાકાત લઈ  તેમને હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.

ધારાસભ્‍યશ્રીએ ખેલાડીઓના અવિરત ઉત્‍સાહ, કઠોર પરિશ્રમ અને રમત પ્રત્‍યેના સમર્પણની પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, આ યુવા ખેલાડીઓ માત્ર શહેરનું જ નહીં પરંતુ આગામી સમયમાં રાજ્‍ય અને રાષ્ટ્રીય સ્‍તરે પણ ઉત્‍કૃષ્ટ દેખાવ કરી દેશનું ગૌરવ વધારશે તેવી પૂરી અપેક્ષા છે.

આ રોમાંચક ચેમ્‍પિયનશિપમાં રાધે સ્‍કેટિગ રીંકના ખેલાડીઓએ મેડલોની હારમાળા સર્જીને પોતાની સર્વોપરિતા સાબિત કરી હતી, જેમાં વ્‍યક્‍તિગત દેખાવની વાત કરીએ તો કર્ણવ કનખરાએ પોતાની સ્‍પીડ અને ટેકનિકના જોરે ૨ ગોલ્‍ડ મેડલ જીતીને ડબલ ધમાકો કર્યો હતો. જ્‍યારે દર્શિત કનખરાએ ૧ ગોલ્‍ડ અને ૧ સિલ્‍વર મેડલ, પરમ ફલિયાએ ૧ ગોલ્‍ડ અને ૧ સિલ્‍વર મેડલ મેળવી પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી હતી. આ ઉપરાંત, પ્રિયાંશ નંદા, દ્રોણ નંદા અને હયંગ નંદાએ પણ પોતપોતાની કેટેગરીમાં ૧-૧ ગોલ્‍ડ મેડલ જીતીને સુવર્ણ સફળતા મેળવી હતી. સિલ્‍વર મેડલની યાદીમાં ભવ્‍ય પરમારે ૧ સિલ્‍વર અને ઈરા મહેતાએ ૧ સિલ્‍વર મેડલ અંકે કર્યો હતો, જ્‍યારે મંથન નંદાએ ૧ બ્રોન્‍ઝ મેડલ મેળવી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું હતું. જય ઠક્કરે પણ શાનદાર પ્રદર્શન કરતા ૧ સિલ્‍વર અને ૧ બ્રોન્‍ઝ મેડલ મેળવી પોતાની બહુમુખી પ્રતિભા દર્શાવી હતી.

(2:12 PM IST)