News of Saturday, 21st March 2026
હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તોફાની વાવાઝોડા ના કારણે વીજ તંત્રને ૩૦ લાખનું નુકસાન
કુલ ૭૨૬ ગામડાઓ માંથી ૪૫૨ ગામો પ્રભાવિત થયા: ૪૪૮ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત બન્યો: કુલ ૭૨૮ ફીડર ને નુકસાની: ૩૯૮ કાર્યરત: ૨૭૫ પોલ ભાંગી ગયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૧ : હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિનાશક વાવાઝોડાએ પી.જી.વી.સી.એલ. ના તંત્રને હચમચાવી નાખ્યું હતું, અને માત્ર ૧૫ થી ૨૦ મિનિટના સમયગાળામાં જ તારાજી સર્જી દીધી હતી, અને 30 લાખ જેટલું અંદાજિત નુકસાન થયું છે. જામનગર અને દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના ૭૨૬ ગામો પૈકી ૪૫૨ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વિજતંત્રની અલગ અલગ ૧૨૧ જેટલી ટીમોએ માત્ર ૨૪ કલાકમાં સતત દોડધામ કરીને ૪૪૮ ગામોમાં વીજ પુરવઠાને પૂર્વવત બનાવી દીધો છે. માત્ર ચાર ગામમાં વિજ પુરવઠો ચાલુ કરવા માટેની હાલ પ્રક્રિયાઓ ચાલી રહી છે.
જામનગર અને દ્વારકા જિલ્લાના ૭૨૮ ફીડર પ્રભાવિત થયા હતા, જે પૈકી ૩૯૮ ફીડર ચાલુ કરી દેવાયા હતા, અને બાકીના ૩૩૦ ફીડરમાં હાલ કામગીરી ચાલી રહી છે.
હાલારના બંને જિલ્લાઓમાં તોફાની પવનના કારણે કુલ ૨૮૫ પોલ ભાંગી ગયા હતા. જે તમામ વીજ પોલને ફરીથી ઊભા કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ઉપરાંત તોફાની વાવાઝોડા ના કારણે બંને જિલ્લાના કુલ પાંચ ટ્રાન્સફોર્મર ડેમેજ થયા હતા. જેને પણ બદલવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
