News of Saturday, 21st March 2026
ગોંડલ માર્કેટ યાર્ડમાં 'ફળોના રાજા'નું ભવ્ય આગમન: કેસર અને હાફુસની આવકથી બજારમાં મધમધતી સુવાસ, જાણો કેરીના આજના લેટેસ્ટ ભાવ
સીઝનની શરૂઆતે જ કેસરના ભાવ ₹6200 અને હાફુસ ₹8000ને પાર; ગીરની કેસર અને રત્નાગિરીની હાફુસના બોક્સ ઉતરતા જ વેપારીઓમાં ભારે પડાપડી

ગોંડલ: ઉનાળાના પ્રારંભની સાથે જ સૌરાષ્ટ્રના સ્વાદપ્રિય લોકો માટે ખુશખબર સામે આવ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે 'ફળોના રાજા' ગણાતી કેરીનું વિધિવત આગમન થયું છે. ગીરની શાન ગણાતી કેસર અને સ્વાદમાં બેજોડ એવી હાફુસ કેરીની આવક થતા જ આખું માર્કેટ યાર્ડ કેરીની મીઠી સુવાસથી મધમધી ઉઠ્યું હતું. જોકે, સીઝનની શરૂઆત હોવાથી ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કેસર અને હાફુસના ભાવમાં 'ગરમાવો'
ગોંડલ યાર્ડમાં આજે ખાસ કરીને 10 કિલો અને 20 કિલોના પેકિંગમાં કેરીની આવક થઈ હતી. કેસર કેરીના 20 કિલોના ભાવ નીચામાં ₹1000 અને ઉંચામાં ₹6200 સુધી બોલાયા હતા. જ્યારે પ્રીમિયમ ગણાતી હાફુસ કેરીના 20 કિલોના ભાવ ₹6000 થી લઈને ₹8000 સુધી પહોંચ્યા હતા. કાચી કેરી (અથાણાં માટે) પણ માર્કેટમાં દેખાઈ હતી, જેનો ભાવ ₹100 થી ₹1000 પ્રતિ 20 કિલો રહ્યો હતો.
આવક અને હરાજીની સ્થિતિ
યાર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે કેસર કેરીના 81 બોક્સ અને હાફુસ કેરીના 39 બોક્સની આવક નોંધાઈ હતી. જેમ જેમ ઉનાળો જામશે તેમ તેમ આવકમાં વધારો થશે અને ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. અત્યારે માત્ર મર્યાદિત જથ્થો હોવાથી ઉંચા ભાવે હરાજી થઈ રહી છે.
ગોંડલ માર્કેટ યાર્ડ: ફળોના આજના બજાર ભાવ (પ્રતિ 20 કિલો)
ક્રમ ફળનું નામ નીચો ભાવ (₹) ઉંચો ભાવ (₹) સામાન્ય ભાવ (₹)
1 હાફુસ કેરી 6000 8000 7000
2 કેસર કેરી 1000 6200 3600
3 દ્રાક્ષ 1000 2500 1750
4 તરબૂચ 240 300 270
5 ચીકુ 100 300 200
અન્ય ફળોમાં પણ જમાવટ
કેરી સિવાય માર્કેટમાં દ્રાક્ષ, તરબૂચ અને ટેટીની પણ વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે. દ્રાક્ષના 1410 દાગીનાની આવક સાથે ભાવ ₹2500 સુધી પહોંચ્યા હતા. ઉનાળામાં ઠંડક આપતા તરબૂચ અને ટેટીના ભાવ પણ સ્થિર જોવા મળ્યા હતા. ફળોના વેપારીઓના મતે, આ વર્ષે કેરીનો પાક સારો હોવાથી આગામી દિવસોમાં કેરી રસીલા સ્વાદની સાથે સામાન્ય માણસના ખિસ્સાને પરવડે તેવા ભાવે મળે તેવી પૂરી શક્યતા છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
