<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

કચ્છના નાના રણમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન: કીચડમાં ફસાયેલા ૮ લોકોનો જીવ બચાવાયો

ગામલોકો અને પૂર્વ કચ્છ પોલીસનો માનવીય અભિગમ : વાછડા દાદાના દર્શને ગયેલા શ્રદ્ધાળુઓ વરસાદના કારણે માર્ગ ભૂલતા રણમાં ફસાયા હતા, પોલીસની જીપ પણ કીચડમાં ફસાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : તાજેતરમાં જ થયેલા મીની વાવાઝોડા અને વરસાદને પગલે કચ્છ ના નાના રણમાં આવેલ વાછડા દાદા ના દર્શન કરવા માટે જતા શ્રદ્ધાળુ દર્શનાર્થીઓ રણ માં ફસાઈ ગયા હતા. ત્રાપર તાલુકા ના પલાંસવા નજીક ના આ રણ માં ગતરાત્રે આઠ લોકો ફસાઈ ગયા હતા ફસાયેલા લોકો ને રણ ની બહાર કાઢવા માટે સ્થાનિક ગામ લોકો એ ખુબ મહેનત કરી હતી અને આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ને વાકેફ કર્યા હતા. સમગ્ર બનાવની હકીકત જોઈએ તો બોલેરો ગાડી મારફતે ટિકરથી પલાસવા તરફ આવી રહેલા ૮ જણ રણના માર્ગ પરથી વાછડા દાદાના દર્શને જતા હતા ત્યારે વરસાદના કારણે માર્ગ ભટકી ગયા હતા. તેમનું ખાવા-પીવાનું પણ પૂરું થઈ જતા આ લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારબાદ મોબાઈલ વડે તેમણે પલાસવા ગામના લોકોનો અને પોલીસને મદદ માટે સંપર્ક કર્યો હતો. બનાવની ગંભીરતા જોતા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર એ આ અંગે આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર વી.એ.સેગલ ને જાણ કરી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં રેસ્ક્યુ દરમિયાન પોલીસની ગાડી પણ કાદવમાં ફસાઈ ગઈ હતી. આડેસર પોલીસ અને પલાસવા ગામના લોકોની મદદથી સફળ રેસ્ક્યુ કરી તમામ લોકોને હેમખેમ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આમ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર તથા આડેસર પીઆઈ વી.એ.સેગલ તથા આડેસર પોલીસ સ્ટાફ ની સુઝબુઝ થી તમામ લોકો રણ મા ફસાતા બચી ગયા હતા.(તસવીર: મુકેશ રાજગોર, રાપર)

(11:19 AM IST)