News of Monday, 23rd March 2026
પૂર્વ વિપક્ષી નેતા અને ‘આપ'ના કોર્પોરેટરના ભત્રીજા સહિત ત્રણ યુવાનો ઉપર હીચકારો હુમલોઃ ફાયરીંગ
જામનગરના વોર્ડ નંબર ૧૨ ના બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેનું વૈમનષ્ય ઇદના તહેવારમાં પણ આગળ વધ્યું અને લોહીયાળ જંગ ખેલાયો : થાર ગાડી સહિત બે વાહનોમાં આવેલા ૮ જેટલા શખ્સોએ ફાયરિંગના ત્રણ રાઉન્ડ કર્યાઃ ધોકા- પાઈપ વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યાઃ પોલીસે પૂર્વ કોંગી કોર્પોરેટર સહિત નવ સામે હત્યા પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યોઃ આરોપીઓની શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૩: જામનગરના વોર્ડ નંબર ૧૨ ના પૂર્વ કોર્પોરેટર આમ આદમી પાર્ટીના નેતા અસલમ કરીમ ખીલજી અને પૂર્વ કોંગી કોર્પોરેટર અલ્તાફ ગફારભાઈ ખફી કે જે બંને વચ્ચેનું વૈમનશ્ય ગઈકાલે રાત્રે ફરી આગળ વધ્યું છે, અને લોહિયાળ જંગ ખેલાયો છે. જેમાં ફાયરિંગની ઘટના પણ બની છે. જેમાં ભત્રીજા સહિત ત્રણ યુવાનો પર થાર સહિતની બે ગાડીમાં ૮ જેટલા શખ્સો એ પીછો કરી વાહન રોકી લોખંડના પાઇપ અને ધોકાવાડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા હતા. જે ત્રણેય યુવાનો હાલ સારવાર હેઠળ છે. પોલીસે પૂર્વ કોર્પોરેટર ની ફરિયાદના આધારે કુલ ૯ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વીપક્ષી નેતા અને આમ આદમી પાર્ટીના હોદ્દેદાર અસ્લમભાઇ કરીમભાઈ ખીલજી એ આજે વહેલી સવારે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.
જે ફરિયાદમાં જણાવ્યું છે કે પૂર્વ કોંગી કોર્પોરેટર અલતાફ ગફારભાઈ ખફી ના કહેવાથી તેઓના મળતીયાઓ અનવર ગફારભાઈ ખફી, મુખ્તાર ઉર્ફે ટોપી અબ્બાસભાઈ કુરેશી, લાલવાડીના વતની મહેબુબ ખફી, મોહસીન પચાસિયો, હનીફ મુસાભાઈ, હુસેન વધુ ખફી, અને હનીફ જાન મહંમદ ઉર્ફે રાંઝો વગેરે સામે ફરિયાદ કરી જણાવ્યું છે, કે પોતાના ભત્રીજા નવાજ તેમજ તેની સાથેના રવુભાઇ અને અસલમભાઈ જેવોને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો હોવાથી હાથ પગ ભાંગી નાખ્યા છે, અને જે તમામ હુમલા ખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સિક્કા પોલીસે આ મામલામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯. (૧),૧૧૮(૧)૧૧૮.(૨)૧૮૯(૪), પ્રાંત આમ સેટ સહિતની કલમો હેઠળ ગુનો નોધ્યો છે. અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલની ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી અસલમ ખભી, કે જેઓ ઉપર ૧૯મી ડિસેમ્બરના રોજ હુમલો કરાયો હતો, અને અલ્તાફ ખફી ના મળતીયાઓએ હુમલો કર્યો હતો. જે બનાવના ઇજાગ્રસ્ત પોતાના ભત્રીજા શાહ નવાજ ખફી, કે જે ફરિયાદી બન્યા હતા.
જેથી તેનો વહેમ વૈમનષ્ય રાખીને ગઈકાલે રાત્રે પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફી કે જે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે, જેના કહેવાથી અન્ય આઠ આરોપીઓ એક થારજીપ અને અન્ય એક કારમાં આવ્યા હતા, અને જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર યુવાનોનો પીછો કર્યો હતો
જેમાં સૌપ્રથમ વાહન રોકવા માટે ગોળીબાર ત્રણ રાઉન્ડ છોડ્યા હતા. ત્યારબાદ ચોકલેટ ના કારખાના પાસે વાહન રોકાવીને આરોપીઓ ધોકા પાઇપ જેવા હથિયારો સાથે ઉતરી પડ્યા હતા, અને ત્રણેય યૂવાના ઉપર હીંચકારો હુમલો કરી દેતા તેઓને સૌપ્રથમ જામનગરની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જયાં તેઓના હાથ પગમાં ગંભીર ઈચ્છા થઈ હોવાથી શષાક્રિયા વગેરે ચાલી રહી છે.
આ ઘટનાની જાણ થવાથી સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે રાત્રે સૌપ્રથમ બનાવના સ્થળે દોડી ગયો હતો, ત્યારે આ મામલાની ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીઓને શોધવા માટેની તેમજ હથિયાર વગેરે કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઈ પી. ટી.જયસ્વાલ અને તેઓની સમગ્ર ટીમ તપાસ ચલાવે છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
