<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

રાજુલા પંથકમાં ' લવ જેહાદ'ના આક્ષેપ સાથે પિતાનો કરું વિડીયો થયો વાયરલ :વિધર્મી યુવક ભગાડી ગયો હોવાનો ગંભીર આરોપ

પિતાએ રડતી આંખે જણાવ્યું કે જે દીકરી 25 વર્ષ સુધી તેમની લાડકવાઈ હતી, તે માત્ર 25 દિવસમાં જ બદલાઈ ગઈ: દીકરીનું બ્રેઈનવોશ કરાયું હોવાનો કરુણ આક્ષેપ કર્યો

અમરેલીના રાજુલા પંથકમાં 'લવ જેહાદ' જેવી ગંભીર ઘટનાનો આક્ષેપ કરતો એક પિતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. રાજુલાના નાગરિક અરવિંદભાઈ માધુભાઈ પરમારે પોતાની 25 વર્ષની દીકરીને એક વિધર્મી યુવક ભગાડી ગયો હોવાનો અને દીકરીનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હોવાનો કરુણ આક્ષેપ કર્યો છે.
આ વિડીયોમાં તેમણે પોતાની ૨૫ વર્ષની દીકરી નેહાને એક વિધર્મી યુવક દ્વારા ફસાવીને ભગાડી જવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પિતાના જણાવ્યા અનુસાર, દીકરીને સુરત ખાતે અભ્યાસ માટે મોકલવામાં આવી હતી, જ્યાં તેનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે. તેમણે રડતી આંખે જણાવ્યું કે જે દીકરી 25 વર્ષ સુધી તેમની લાડકવાઈ હતી, તે માત્ર 25 દિવસમાં જ બદલાઈ ગઈ છે અને અત્યારે જે નિવેદનો આપી રહી છે તે તેને શીખવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.
અરવિંદભાઈએ ગુજરાતના રાજકીય નેતાઓ અને પોલીસ પ્રશાસન સમક્ષ આજીજી કરતા સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, જો ભારત સરકાર દુનિયાના ખૂણેખૂણેથી ભારતીયોને પરત લાવી શકતી હોય, તો તેમની દીકરીને કેમ શોધી શકાતી નથી? તેમણે 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તેઓ આવી ફિલ્મોના પાત્ર બનવા માંગતા નથી પરંતુ પોતાની દીકરી સુરક્ષિત પાછી જોઈએ છે. તેમણે ગૃહ રાજ્ય મંત્રી અને પોલીસ વિભાગને આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.
પોતાની વ્યથા ઠાલવતા પિતાએ ઉમેર્યું કે, આજે જે ઘટના તેમની દીકરી સાથે બની છે, તે કાલે કોઈ અન્યની દીકરી સાથે પણ બની શકે છે. તેમણે આવા તત્વોને 'હુમાયુ'  તરીકે સંબોધીને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે પોતાની જ્ઞાતિના ભાઈઓ અને સમગ્ર હિંદુ સમાજને આ દુઃખની ઘડીમાં સહયોગ આપવા અને દીકરીને ન્યાય અપાવવા માટે અપીલ કરી છે. વિડીયોના અંતે તેમણે ભાવુક થઈને સ્વીકાર્યું હતું કે દીકરીના ગયા પછી તેમને આત્મહત્યાના  વિચારો આવ્યા હતા, પરંતુ હવે તેઓ આ અન્યાય સામે લડવા મક્કમ છે.

 

(12:32 AM IST)