News of Tuesday, 24th March 2026
સુરેન્દ્રનગર નજીક ટોલનાકા ઉપર નકલી આઇ.બી. અધિકારી બની તોડ કરનાર ગેંગને ઝડપી લેવાઇ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૪: સુરેન્દ્રનગરના ધાંગધ્રા-વિરમગામ નેશનલ હાઇવે ઉપર આવેલ ટોલનાકા નજીક ધાંગધ્રાના ડોક્ટર આશિષ શાહ પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમની કાર ઉભી રાખી અને તેમની કારમાં ડ્રગ્સ હોવાનો ડર બતાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી રૂપિયા માંગવામાં આવ્યા હતા. કાર ઊભી રખાવનારે પોતે IB પોલીસ કર્મચારી હોવાનું જણાવ્યું હતું. જો કે આ મુદ્દે ડોક્ટરને શંકા જતા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને પોલીસ ત્યાં આવી અને તપાસ શરૂ કરવામાં આવતા રૂપિયા માંગનાર અને કાર ઉભી રાખનાર કોઈપણ પ્રકારે IB માં ફરજ બજાવતો ન હોવાનું સામે આવ્યું હતું અને ખોટા કર્મચારીઓની ઓળખ આપીને ટોલનાકા નજીક કારચાલકો અને વાહન ચાલકોના તોડ કરવામાં આવતા હોવાનો ધડાકો થયો હતો. આ મુદ્દે બજાણા પોલીસને શંકા જતા હાઇવે ઉપરના ફૂટેજ ચેક કરવામાં આવતા તોડ કરવા આવેલી મંડળી સાબરકાંઠા નાસી ગઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે સાબરકાંઠા ક્રાઈમ બ્રાન્ચને બજાણા પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી અને ફૂટેજ આપવામાં આવતા સાબરકાંઠા ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ હતી. જેમાં કુલ છ જેટલા ઇસમોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં બે મહિલા હોવાનું પણ સામે આવ્યું છે અને ટોલનાકા ઉપર પસાર થતા વાહનચાલકોને ખોટા કેસોમાં ફસાઈ દેવાની ધમકી આપી અને તેમના તોડ કરવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે.
નકલી IB અધિકારી જમીન દલાલ નીકળ્યો
ખોટી આઇબીની ઓળખ આપનાર પોતે સાબરકાંઠામાં આવેલ હિંમતનગર વિસ્તારમાં જમીન લે-વેચનો દલાલ કેતનકુમાર રાવલ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ધાંગધ્રાના રામપુર મેન બજારમાં રહેતા નિલેશભાઈ રામાનુજ પોતે પ્લમ્બિંગ કામ કરતો હોય અને તે પણ આ ગેંગ સાથે જોડાયેલા હોવાનો પણ ધડાકો થયો હતો. હિંમતનગરમાં પોલીસ તરીકે ફરજ બજાવતા વૈભવસિંહ વાઘેલા પણ આ ગેંગની સાથે તોડ કરવા આવ્યા હોવાનો ધડાકો થયો હતો. આ ઉપરાંત હોમગાર્ડમાં ફરજ બજાવતા આસિફા દિવાન પણ આ મંડળી સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું.
તે ઉપરાંત હિતેશ પંચાલ અને કળપાબેન પંચાલની પણ અટકાયત કરવામાં આવી છે. અધિકારીની ઓળખ આપનાર યુવક કેતનકુમાર રાવલની પણ ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમની પાસેથી મોબાઇલ ફોન, મારુતિ બ્રેઝા કાર, કિઆ સોનેટ કાર જપ્ત કરવામાં આવી છે અને કુલ ૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હાલ ગુજરાતમાં અન્ય સ્થળો ઉપર આ પ્રકારનું કળત્ય કરવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
