<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

કચ્છ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રની અપીલ : કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તથા પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડાની ઉપસ્થિતિમાં બેઠક

ગઈકાલથી પેટ્રોલ પંપ ઉપર લોકોની જામેલી ભીડને પગલે તંત્ર એલર્ટ, આજે કલેક્ટર દ્વારા યોજાઇ સમીક્ષા બેઠક, પેટ્રોલ અને ડીઝલનો બિનજરૂરી જથ્થો સંગ્રહ ન કરવા નહીં તો તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ : ગઈકાલ બપોરથી કચ્છના પેટ્રોલ પંપ ઉપર વાહનચાલકોની ઉમટેલી ભીડને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે તાકીદની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તથા પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડાની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લામાં આવેલ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરાઇ હતી. બેઠકમાં યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલના આયાતી જથ્થા પર કોઈ અસર પડી ન હોવાની તેમજ કચ્છમાં તમામ પેટ્રોલ પંપ પર હાલ પૂરતી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે, પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી, તેથી નાગરિકોને અફવાઓથી દૂર રહેવા ક્લેકટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.  

પેટ્રોલ-ડીઝલની અછત અંગેના અસત્ય સમાચાર અને ભ્રામક અફવાથી ન દોરાવા નાગરિકોને અનુરોધ કરતા ક્લેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,  ઇંધણ અંગે ગભરાવવાની કે પેનિક થવાની જરૂર નથી, પોતાની જરૂરીયાત મુજબ જ ઇંધણ પુરાવવું, પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ એકઠી ન કરવી. કોઇપણ ભ્રામક  માહિતીની સત્યતા  તપાસ્યા વિના તેને આગળ ન ફેલાવવી.  જિલ્લા તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે અને ઇંધણની ઉપલબ્ધતા અંગે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. 

આ અંગે પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડાએ કંપનીઓને કોઇ તત્વો દ્વારા પેટ્રોલ અને ડીઝલનો બિનજરૂરી જથ્થો સંગ્રહ ન થાય તે માટે પેટ્રોલપંપ માલિકોને તાકીદની જાણ કરવા તેમજ માત્ર વાહનમાં જ પેટ્રોલ ભરવા, અન્ય કોઇ રીતે છુટક વેચાણ ન કરવા તાકીદ કરી હતી. જો આ પ્રકારની પ્રવૃત્તિ થતી હશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(3:19 PM IST)